આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે
બિહારના ભાગલપુરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલી માધ્યમથી સંબોધશે અને
PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રીલીઝ કરશે
આણંદ,
આણંદ ખાતે તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ “કિસાન સન્માન સમારોહ” આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાનાર છે.
તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભાગલપુર-બિહાર ખાતેથી PM KISAN સન્માન નિધિ યોજનાનો ૧૯ મો હપ્તો રીલીઝ કરવા માટે “કિસાન સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૪મીને સોમવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીનું ભાગલપુર બિહાર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધનનું જીવંત પ્રસારણ ખેડૂતો નિહાળી શકશે.
આ કાર્યક્રમમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ઘટકોના લાઈવ સ્ટોલ, FPO ના પ્રદર્શન સ્ટોલ, ફર્ટિલાઇઝરના વપરાશ વધારવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા અંગેના સ્ટોલ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના સ્ટોલ, પીએમ કિસાન લેન્ડ સિડિંગ અને ઇ કેવાયસી સ્ટોલ, ફાર્મર રજીસ્ટ્રી, કૃષિ યુનિવર્સિટી નો સ્ટોલ ,કિસાન ક્રેડિટ માટે ના સ્ટોલ, ટપક સિંચાઈ પદ્ધતિના સ્ટોલ લગાવવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનું કૃષિ પ્રદર્શન/કૃષિ માર્ગદર્શન/લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૧૮ હપ્તાઓ દ્વારા રૂપિયા ૩.૪૬ લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો ભાગ લે તે માટે ખેડૂતોને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
***