1001081911

આણંદ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટને રૂ.5 હજારનો દંડ

આણંદ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટને રૂ.5 હજારનો દંડ

આણંદ - વિદ્યાનગર રોડ ઉપર  તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટના ગંદા પાણીથી ગટર ચોક અપ થવાને કારણે મનપાએ ફટકાર્યો દંડ 


હોટલનું ગંદુ પાણી ગટરમાં નાખવાથી ગટર ચોક અપ થતા નોટિસ આપવામાં આવી


દિન ૭ માં હોટલ સ્ક્રીન ચેમ્બર ન બનાવે તો સીલ કરવામાં આવશે


આણંદ મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાકમાં જ ફરિયાદનો નિકાલ


આણંદ, 
 આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના તમામ વિભાગોને તેમના હસ્તકની કામગીરી સંદર્ભે મળતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ કરવા તાકીદ કરી છે.

આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતું હતું જેની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી.

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર ચેક કરતા તેમાં ગટરની નજીક આવેલ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા તેનું ગંદુ પાણી આ ગટરમાં જતું હતું, જેના કારણે ગટર ચોકઅપ થઈ ગઈ હતી. તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગટરનું દૂરસ્તી કામ કરીને ગંદુ પાણી રોડ ઉપર ન આવે અને લોકોને આરોગ્ય લક્ષી પ્રશ્નો ઉભા ના થાય તે હેતુથી ૨૪ કલાકમાં જ કાર્યવાહી કરીને ગંદુ પાણી બંધ કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાના કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું જેના કારણે રેસ્ટોરન્ટને તાત્કાલિક પ,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દિન ૦૭ માં આ રેસ્ટોરન્ટ તેની હોટલમાંથી પાણી ગળાઈને જાય માટે સ્ક્રીન ચેમ્બર ન બનાવે તો હોટલને સીલ કરવામાં આવશે તેવી નોટીસ આપવામાં આવી છે. 

આમ, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ માલિકોએ ગટર ચોકઅપ ન થાય તે રીતે હોટલમાંથી જતું પાણી સ્ક્રીન ચેમ્બરમાંથી પસાર થઈને ગટરમાં જાય તે પ્રકારની કામગીરી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. 
****