1001125696

આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦૦૬ જેટલા વ્યક્તિઓ, દુકાનદારો દંડાયા

આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં

આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦૦૬ જેટલા વ્યક્તિઓ, દુકાનદારો દંડાયા

કુલ રૂપિયા ૨.૮૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરાયો

૧૮૧૩ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

જાહેરમાં કચરો નાખશો તો દંડ વસૂલ કરવામાં આવશે - મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપના

શહેરને સ્વચ્છ રાખવા  સૌ નગરજનોને સહયોગ આપવા અનુરોધ

આણંદ, શુક્રવાર 
રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ તેના પ્રથમ કમિશનર તરીકે શ્રી મિલિંદ બાપનાની નિમણૂંક કરવામાં આવી છે. 

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મનપા ના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ કરતા, ઘન કચરાનો નિકાલ, જાહેરમાં કચરો નાખતા લોકોને અને દુકાનદારોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. 

મનપાના સેનિટેશન વિભાગ દ્વારા તારીખ ૦૩ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૦ મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા ૧૮૩ વેપારીઓને રૂપિયા ૧,૩૬,૭૨૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ૧૨૦ માઇક્રોન થી ઓછી જાડાઈ ધરાવતું હોય તેવા ૧૮૧૩ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 
જાહેરમાં કચરો નાખતા હોય તેવા ૮૨૧ લોકોને, વેપારીઓને દંડ ફટકારીને ₹ ૧,૫૨,૯૫૦/- ની રકમ વસૂલ કરવામાં આવી છે. જ્યારે ખુલ્લામાં સૌચ કરનાર બે (૦૨) વ્યક્તિઓને રૂપિયા ૧૫૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આમ, આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપના દ્વારા આણંદ કોર્પોરેશનને સ્વચ્છ અને સુદ્રઢ બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત કુલ- ૧૦૦૬ વ્યક્તિઓને, દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે, અને રૂપિયા ૨,૮૯,૮૨૦/- ની દંડનીય રકમની વસુલાત કરવામાં આવી છે. 
મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના લોકોને, દુકાનદારોને જાહેરમાં કચરો ન નાખવા અપીલ કરી છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા જણાવ્યું છે. કમિશનરશ્રી દ્વારા મનપા ના આ અભિયાનમાં જોડાઈને શહેરને સ્વચ્છ રાખવા  સૌ નગરજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
*****