1001664430

આણંદના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી

આણંદના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૨.૫ કરોડના ખર્ચે બે નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરાશે

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગણી મંજુર કરાઈ

આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કરી શકશે- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ 

આણંદ ટુડે | આણંદ,

આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આણંદ મનપાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો કરવા સંદર્ભે રૂપિયા ૧૪૮ કરોડની પ્રથમ તબક્કામાં ફાળવણી કરવામાં આવી છે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ધોરણ ૦૧ થી ૦૮ ની અંગ્રેજી માધ્યમની ૦૨ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 

આણંદના ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવેલ રજૂઆતને આણંદ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અર્થે રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે માંગણી રાજ્ય સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતા હવે ટૂંક સમયમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની ૦૨ નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેના માટે રૂપિયા ૨.૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે તેમના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગણી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ પણ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણી શકશે, આ ઉપરાંત મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાથી જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા ઈચ્છે છે પરંતુ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી તેવા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે મનપા વિસ્તારમાં શરૂ કરવામાં આવનાર અંગ્રેજી માધ્યમની નવી પ્રાથમિક શાળાઓ આશીર્વાદરૂપ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૦૨ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર દ્વારા મંજૂર કરવામા આવી તે બાબતે ધારાસભ્ય શ્રી એ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

***