આણંદ મહાનગરપાલિકાએ એક જ દિવસમાં રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો
આણંદ મહાનગરપાલિકાએ એક જ દિવસમાં રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો
ખાદ્ય એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને મચ્છર ઉત્પત્તિ જોવા મળતા કરાઈ દંડનીય કાર્યવાહી
આણંદ,
આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ખાદ્ય સામગ્રી બનાવનાર બેકરી તથા દુકાન લારી ગલ્લા ઉપર જરૂરી સ્વચ્છતા રહે તે માટે વખતો વખત મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવતી હોય છે.
આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા ૧.૦૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા આણંદ મનપા વિસ્તારમાં આવેલી ક્રિસન્ટ રેસ્ટોરન્ટ, બોમ્બે બિરયાની પોઇન્ટ, ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઈનીઝ, મોહમ્મદ ફૈઝાન ભાઈ, બબલુભાઈ, ઇમરાન તવા ફ્રાય સેન્ટર અને ઇમરાન અન્સારીના ખાદ્ય એકમો ખાતે આકસ્મિક તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ જણાતા તથા મચ્છરોની ઉત્પત્તિ થયેલી માલુમ પડતા આ એકમો પાસેથી કુલ રૂપિયા ૮૮૦૦/- ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
આમ, આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા એક જ દિવસમાં વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ અને મચ્છર ઉત્પત્તિ માટે કરવામાં આવેલ દંડ આમ કુલ રૂપિયા ૧,૧૩,૮૦૦/- ના દંડની વસુલાત કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય એકમો જરૂરી સ્વચ્છતા રાખે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
****