1001651092

આણંદનો જે. કે. લોટસ પાર્ટી પ્લોટ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયો

આણંદનો જે. કે. લોટસ પાર્ટી પ્લોટ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયો

જરૂરી વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી લીધા વગર ચાલતો હતો પાર્ટી પ્લોટ

આણંદ ટુડે | આણંદ
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ જે. કે. લોટસ પાર્ટી પ્લોટ ના સંચાલક શ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા આણંદ મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

આ બાબતે આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જે. કે. પાર્ટી પ્લોટ ના સંચાલકને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(BU ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટીસ પણ આપવામાં આવી હતી, પરંતુ જે.કે. પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા. 

આમ, સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત જે. કે. પાર્ટી પ્લોટ ના સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.

આ ઉપરાંત જે. કે. પાર્ટી પ્લોટ નો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જે. કે. પાર્ટી પ્લોટ માં ભવિષ્યમાં કોઈના જાન માલને હાની ન પહોંચે તે હેતુસર તાત્કાલિક ધોરણે થી જે.કે.લોટસ પાર્ટી પ્લોટ ને આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે. 
***