1000457692

અમૂલ દૂધના પાઉચ ઉપર બેટી બચાવો બેટી પઢાવોનો લોગો લગાવાયો

અમૂલ દૂધના પાઉચ ઉપર બેટી બચાવો બેટી પઢાવોનો લોગો લગાવાયો

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા અમૂલ પાઉચના દૂધ ઉપર પ્રકાશિત "બેટી બચાવો, બેટી પઢાઓ" નો લોગો પ્રસિદ્ધ કરાયો

આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

દિકરીનો જન્મ દર વધે, દિકરીઓનો શિક્ષણ ડ્રોપ આઉટ રેસીયો ઘટે, દીકરી સક્ષમ તથા સક્ષક્ત બને તે ખાસ ઉદ્દેશ - કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ ટુડે | આણંદ,
 આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 
આ કાર્યક્રમ અંતર્ગત આણંદ કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશો જનજન સુધી પહોંચાડવા માટે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ને પત્ર લખી અમૂલ ડેરી દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓના પેકેજીંગ પર ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજનાના લોગોનું છાપકામ કરવા જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે અમુલ દ્વારા અમૂલ દૂધ ગોલ્ડની એટલે કે દૂધની થેલી ઉપર બેટી બચાવો, બેટી પઢાવોનો લોગો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. 
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન શ્રીમતી નીતાબેન સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં અમૂલ પાઉચના દૂધ ઉપર પ્રકાશિત લોગો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. 
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ થી દિકરી દિવસની ઉજવણી શરૂ કરાવી હતી. પ્રમુખશ્રીએ આ તકે સમાજમાં દિકરીઓને યોગ્ય સ્થાન મળે અને દીકરીઓનું મહત્વ લોકો સમજે તથા દીકરા અને દીકરીની એક સમાન ગણે તે માટે જાગૃતિ અર્થે શરૂ કરવામાં આવેલ આ લોગાના માધ્યમથી છેવાડાના માનવી સુધી આ સંદેશો પહોંચશે તેમ જણાવ્યું હતું. 
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ દિકરીઓનો જન્મ દર વધે, દિકરીઓનો શિક્ષણ ડ્રોપ આઉટ રેસીયો ઘટે અને દિકરીઓ સક્ષમ તથા સશક્ત બને તે ઉદ્દેશ સુધી ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. 
મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલના જણાવ્યા મુજબ આણંદ અને ખેડા જિલ્લામાં દરરોજ ૧.૨૪ લાખ જેટલી અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ ઉપર સતત ૩૩ દિવસ સુધી આ લોગો પ્રકાશિત કરવામાં આવશે, એટલે કે ૪૦ લાખ જેટલી દૂધની થેલીઓ દ્વારા લોકોના ઘર સુધી આ સંદેશો પહોંચાડવામાં આવશે. 
આ સમયે મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મયોગીઓ હાજર રહ્યા હતા.
**