IMG-20240120-WA0084

સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા જવા રવાના

સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા જવા રવાના 

આણંદ ટુડે | વડતાલ 
અયોધ્યામાં તા.૨૨ જાન્યુઆરીના રોજ યોજાનારા શ્રીરામલલ્લા જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તથા અમદાવાદ દેશના ૫૦ થી વધુ સંતોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વડતાલ ગાદીના વડતાલ સ્વા.મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સ્વામી અમદાવાદ છારોડી ગુરૂકુળના માધવપ્રિયદાસજીસ્વામી સહિત તા. ૨૦મીના રોજ મૂર્તિપ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અયોધ્યા જવા રવાના થઇ ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના નાના-મોટા ૩૫૦૦ થી વધુ મંદિરો તથા ગુરૂકુળોમાં ૨૨મીએ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે અયોધ્યા ખાતે વડતાલ તેમજ ભુજ મંદિર દ્વારા અયોધ્યામાં દર્શનાર્થે આવનાર ભક્તોને સાત્વીક ભોજન મળી રહે તે માટે ૨૦-૨૦ દિવસ સુધી ભંડારો ધમધમતો રહેશે. વડતાલ તથા અમદાવાદ ગાદીના નાના-મોટા મંદિરો, ગુરૂકુળો તથા અગ્રણી હરિભક્તો દ્વારા કરોડો રૂપીયાનો આર્થિક સહયોગ કરવામાં આવેલ છે. 

વડતાલ મંદિર ખાતે શ્રીરામલ્લા જ્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાશે  

વડતાલધામને આંગણે વડતાલ નિજમંદિરમાં રામદરબાર ખડો કરાશે તા.૨૨મી સોમવારે વડતાલ મંદિર ઘંટનાદ, શંખનાદથી ગૂંજી ઊઠશે. મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરમાં બિરાજમાન દેવોને સુંદર શણગાર સજાવટ કરાશે. 
૨૧મીએ રાત્રે મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામના વધામણાં રૂપે રંગોળી રાત્રે ૯ થી ૧૧ કલાક દરમ્યાન સાથિયા પૂરવામાં આવશે. અને રાત્રે ૧૧,૧૧૧ દિવડાઓ દ્વારા દિવ્ય દિપોત્સવ ઉજવાશે. તા.૨૨મીના રોજ મંદિરના પટાંગણમાં ધજાપતાકાઓ લહેરાશે, આસોપાલવના તોરણો બંધાશે, મંદિર પરિસર વધુ દેદિપ્યમાન બનશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે તા.૨૨મીને સવારે ૧૦.૩૦ થી ૧ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રીરામ મંદિર કાર સેવકોનું મંદિર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. નીજ મંદિરમાં ભગવાનનું વિશેષ પુજન કરાશે. મંદિર પરિસરમાં રાષ્ટ્રગાન, આરતી, સભા, જયજયશ્રીરામના નારાથી મંદિર પરિસર ગૂંજી ઉઠશે. અને દિવ્ય આનંદ ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે ચરોતર પ્રદેશના તમામ ક્ષેત્રના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. સાથે સાથે અયોધ્યા મંદિર પ્રતિષ્ઠાનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવનાર છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાએ કથા દર્શનનો લાભ લેવા ચેરમેન દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમની તૈયારી શ્યામવલ્લભસ્વામી કરી રહ્યા છે.