પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો- શ્રી સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર
પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો- શ્રી સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર
જિલ્લાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ શ્રી સિદ્ધરાજસિંહે નેશનલ-ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ચક્રફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા
આણંદ ટુડે | નડિયાદ
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ શ્રી સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
મુળ બનાસકાંઠા, વડગામના કોદરામ ગામના વતની શ્રી સિદ્ધરાજસિંહ ઠાકોર અત્યારે ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી મનસુખ તાવેથિયાનાં માર્ગદર્શનમાં સ્પોર્ટસ અકેડમી, રમત સંકુલ નડિયાદ ખાતે પ્રશિક્ષણ લઈ રહ્યા છે.
શ્રી સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે સેકન્ડ સેરેબ્ર્લ પોલ્ઝી સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઈન્ડીયા (સીપીએફઆઈ) નેશનલ એથ્લેટીક્સ ઈવેન્ટમાં અન્ડર-૧૯, શોટપુટ એફ-૩૭ ડિસકસ સ્પર્ધા (ચક્રફેંક)માં સિલ્વર મેડલ તથા થર્ડ સીપીએફઆઈ નેશનલ એથ્લેટીક્સ ઈવેન્ટમાં અન્ડર-૨૦, શોટપુટ એફ-૩૭ ડિસકસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે. સાથે જ થાઈલેન્ડ, નાકોન રાચાસિમા ખાતે આયોજિત વર્લ્ડ એબીલીટી સ્પોર્ટસ્ યુથ ગેમ્સમાં અન્ડર-૨૦, શોટપુટ એફ-૩૭ ડિસકસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
સિદ્ધરાજસિંહના આ સફરના પાયામાં તેમના કોચ ડૉ. મનસુખ તવેથિયાનુ સતત માર્ગદર્શન અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાની મહત્વપુર્ણ ભૂમિકા રહેલી છે.
નોંધનીય છે કે, છેલ્લા ૩ વર્ષથી દિવ્યાંગ રમતવીર શ્રી સિદ્ધરાજસિંહ ખેલમહાકૂંભમાં પણ ભાગ લઈ રાજ્ય સ્તરે જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છીએ. તેમણે સાબિત કર્યું છે કે મહેનત અને દ્રઢ સંકલ્પ તમને સફળતાના શિખરે લઈ જઈ શકે છે. એક નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સિદ્ધરાજસિંહની સફર પ્રેરણાત્મક છે. તેમની સફળતા સમુદાય માટે ગૌરવનો વિષય છે અને નવા પારા એથ્લીટ્સ માટે આશાનું પ્રતિક છે.
0000