નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે પામ સંડે ની કરાઈ ઉજવણી
નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે"પામ સંડે"ની કરાઈ ઉજવણી
તાડપત્ર સાથે ભવ્ય સરઘસ નીકળ્યું, શ્રદ્ધાપૂર્વક ખ્રિસ્તયજ્ઞ યોજાયો
આણંદ ટુડે | નડિયાદ
આણંદ, ખેડા જિલ્લા સહીત વિશ્વભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા તાડપત્ર રવિવાર"પામ સંડે"ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નડિયાદમાં આવેલ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે તાડપત્ર સાથે સરઘસ યોજી ચર્ચમાં પ્રવેશ મેળવી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ખ્રિસ્તયજ્ઞ યોજવામાં આવ્યો હતો.
ખ્રિસ્તયજ્ઞમાં ફાધર નટુએ ધર્મબોધ દરમ્યાન જણાવ્યું હતું કે,"આપણે હમેશા સારી બાબતોમાં હાજરી આપીએ છીએ પરંતુ દુ:ખદ ઘટનોઓથી દુર રહીએ છીએ.તે અયોગ્ય છે.કોઇપણ વ્યક્તિના દુઃખમાં આપણે સહભાગી બની સાચા માનવી તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ.મૃત્યુ આવે તો તેને ઈશ્વરનું આયોજન સમજી સ્વીકાર કરવો જોઈએ.
ખ્રિસ્તી સમુદાયના શ્રદ્ધાળુઓ ઈસુ ખ્રિસ્તની પીડાના વાંચનમાં જોડાયા હતા. જેમાં રિચર્ડ, શ્રદ્ધા વાઘેલા અને ફાધર નટુએ ઈસુની પીડાનું ભક્તિભાવપૂર્વક વાંચન કર્યું હતું.
સભાપુરોહિત ફાધર જોસેફ અપાઉએ જણાવ્યું હતું કે,‘યરૂસાલેમમાં ઈશુનો વિજય પ્રવેશ’ અર્થાત ‘તાડપત્રનો રવિવાર’.આ દિવસે ઈશુએ ખોલકા ઉપર બેસીને પોતાની મૃત્યુયાત્રા ભણી પ્રયાણ આદર્યું. લોકોએ હાથમાં ખજૂરીના તાડપત્રો લઇ તેમનું એક રાજા તરીકે સ્વાગત કર્યું.ઇસુના સંઘર્ષ અને પછી મુક્તિ દાતાની ઓળખને આપણે ભૂલી જવા ન જોઈએ.
ફાધર ફ્રાન્સીસે જણાવ્યું હતું કે,૪૦ દિવસના તપઋતુમાં પવિત્ર રવિવારની ઉજવણીએ પ્રભુ ઇસુના પ્રેમ અને શાંતિના સંદેશાને પ્રગટ કરે છે.
' પામ સન્ડે’થી ખ્રિસ્તી કેથલિક પરિવારો સપ્તાહ દરમ્યાન પગ ધોવાની વિધિ, ક્રૂસના માર્ગની ભક્તિ, રાત્રી આરાધના, મહાવ્યથાની કથા, માતા મરિયમને દિલાસો,પાસ્ખા પર્વ જાગરણ, મીણબતીનો આશીર્વાદ પ્રાર્થના અને વિવિધ ધાર્મિક શિબિરમાં જોડાશે.
પવિત્ર સપ્તાહમાં પ્રાર્થનાને વિશેષ મહત્વ આપશે. જે ગુરુવાર બપોર સુધી ચાલશે અને બપોર બાદથી શનિવાર મધ્યરાત સુધી તમામ દેવાલયોમાં સતત દિવસ-રાત પ્રાર્થના ચાલશે. સપ્તાહના અંતિમ ત્રણ દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવાર વર્ષના સૌથી પવિત્ર દિવસ ગણાય છે.