1001093245

ખેડા જિલ્લા પોલીસની અદભૂત અને અવિસ્મરણીય કામગીરી

ખેડા જિલ્લા પોલીસની અદભૂત અને અવિસ્મરણીય કામગીરી

ભાઈ-બહેનની આંખો પરથી પોલીસે સવા બે વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો

પોલીસકર્મી  પ્રદીપસિંહનું જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા પ્રમાણપત્ર આપી કરાયુ સન્માન

વાસદ નજીક તરછોડાયેલા 5 વર્ષના દીકરાની આંખો અને સવા બે વર્ષ પહેલા નડિયાદ નજીક તરછોડેલા દિકરીની આંખોથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી પોલીસ

વાસદ નજીક તરછોડાયેલા 5 વર્ષના દીકરાની આંખો અને સવા બે વર્ષ પહેલા નડિયાદ નજીક તરછોડેલા દિકરીની આંખોથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી ખેડા જિલ્લા પોલીસે સંનિષ્ઠ પ્રયાસો થકી પ્રશંસનીય કામગીરી કરી છે

નડિયાદ
પોલીસ પ્રજાનો સાચો મિત્ર, ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને પોલીસનું ગૌરવ વધાર્યુ છે. માટે જ, આવી અદભૂત અને અવિસ્મરણીય કામગીરી કરવા બદલ આજે કલેકટર કચેરી ખાતે પોલીસકર્મી  પ્રદીપસિંહનું જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. અધિક નિવાસી કલેકટર  જે.બી.દેસાઈ દ્વારા પણ પોલીસકર્મી  પ્રદીપસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકક્ષ દ્વારા એલ.સી.બીના પોલીસ ઈન્સપેક્ટર કે.આર.વેકરીયાને પણ તેમની સફળ આગેવાની માટે શુભેચ્છા આપી હતી. 

નડિયાદના બિલોદરા પાસે સવા બે વર્ષ પહેલા મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પાસેથી 3 વર્ષની નાની બાળકી મળી આવી હતી. તેવો જ અન્ય ગુનો પાડોશી આણંદ જિલ્લામાં અઠવાડિયા અગાઉ થયેલો હતો. આણંદ નજીક બનેલા ગુનામાં 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો. આ બંને કેસની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી. એવામાં જિલ્લા પોલીસ કર્મી પ્રદિપસિંહની નજર સોશિયલ મીડિયાની એક વાયરલ પોસ્ટ ઉપર પડી હતી જેમાં વાસદ પોલીસ સ્ટેશન દ્વારા પાંચ વર્ષના બાળકની ઓળખ જાણવા માટે તેમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. વધુ તપાસ કર્યા બાદ એક વસ્તુ કોમન આવી હતી કે તરછોડાયેલા બંને બાળકોની આંખો સરખી આવે છે. એટલે પોલીસે આ બાળકોને વિડિયો કોલ મારફતે ભેટો કરાવતા બંનેએ એકબીજાને ઓળખ્યા હતા. પોલીસે આ બંને બાળકો જે નામ તેમના પિતાનું કહેતા હતા તેમને શોધીને પોલીસે અમદાવાદથી પકડી લાવતા નડિયાદ નજીક પોતાની પત્નીને સવા બે વર્ષ અગાઉ હત્યા કરી હોવાનું અને પોતાની આ દિકરીને મારી નાખવાના ઈરાદે ઈજા પહોંચાડી હોવાની તેમજ તાજેતરમાં આણંદ નજીક તેના 5 વર્ષના પુત્રને આ રીતે ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હોવાનું કહ્યું હતું. જે બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. 

અગાઉ નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણ વર્ષની મળી આવેલી દિકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. જ્યાં સંસ્થા તેનો ઉછેર કરી રહી છે. દરમિયાન તાજેતરમાં એક સપ્તાહ અગાઉ પડોશી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે એક 5 વર્ષનુ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. જેના બંને પગે ઈજા હતી અને સવા બે વર્ષ પહેલાં પણ બાળકીને આ રીતે ઈજા પહોંચાડેલી જેવી સામ્યતા વાળી કડીઓ પોલીસના ધ્યાને આવી હતી. આ ઉપરાંત બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને વધુ શંકા ગઈ હતી. બાદમાં પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દિકરા અને સવા બે વર્ષ અગાઉ મળી આવેલ દીકરીની આંખો ચેક કરતા સમાન આવતી હતી. આથી પોલીસે આ બંને બાળકોને વીડિયો કોલ મારફતે ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈને ઓળખી બતાવી હતી.

દિકરી જ્યાં આશ્રય લઈ રહેલી હતી ત્યાં માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લાવી બંનેનું મિલન કરાવ્યું હતું. બીજી તરફ આ દિકરીને અને દિકરાને આશ્રય આપી સંભાળ કરનાર નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમના સુપ્રિન્ટેડેન્ટે સંદીપ પરમારે જણાવ્યું કે,  આ સમગ્ર કેસ માટે પોલીસની પડખે જિલ્લા બાળ સુરક્ષા એકમ અમારી સંસ્થા CWC  દ્વારા તમામ વિગતો પોલીસને આપવામાં આવતી હતી અને જેના આધારે પોલીસને આ કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે. 
***