1000701118

સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે નડિયાદ ખાતે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે નડિયાદ ખાતે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત

સ્વચ્છતાને સૈદ્ધાંતિક બાબત સુધી સીમિત ન રાખતા સ્વંય સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડતા પદાધિકારીઓ અને અધિકારીઓ

સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર જોડાવા નગરજનોને અપીલ કરતા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ

આણંદ ટુડે | નડિયાદ

જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી  "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે  સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સફાઈ કામદારો, શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને જુના ડુંમરાલ રોડ, બાર આંબલી કેનાલ પાસે અને ઇન્દિરા નગર વોર્ડ નંબર ૧૨ ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો, જાડી ઝાંખરા અને અન્ય ઘન પ્રવાહી કચરાનો નિકાલ  કર્યો હતો.

આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ વર્તમાન પત્રોના માધ્યમથી નગરપાલિકા અને શહેરજનોની સ્વચ્છતા બાબતેની ફરજો વિશે લોકજાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની પ્રક્રિયાને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર જોડાવા ધારાસભ્યશ્રીએ નગરજનોને અપીલ કરી હતી. ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ સમગ્ર સફાઈ અભિયાન દરમિયાન દરરોજ પ્લાન મુજબ સફાઈની કામગીરી કરવા અને રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવા જણાવ્યું હતું. 

સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે વધુ જાણકારી આપતા નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી રૂદ્રેશ હુદડે જણાવ્યું કે નડિયાદ ખાતે આજરોજ શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન એક મહિના સુધી ચાલશે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં આવી રહ્યું છે ત્યારે જન ભાગીદારી દ્વારા સફાઈના વિવિધ કાર્યક્રમો કરી લોકોને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે જાગૃત કરવામાં આવશે.  

આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, જિલ્લા કલેકટર શ્રી અમીત પ્રકાશ યાદવ, નડિયાદ પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા.

0000