બાળકને પુસ્તકિયું નહીં પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપો-ઇતિહાસકાર ડૉ. વિદ્યુત જોષી
સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે "પ્રગતિની ઉડાન"કાર્યક્રમ યોજાયો
બાળકને પુસ્તકિયું નહીં પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપો : ઇતિહાસકાર ડૉ. વિદ્યુત જોષી
નડીઆદ
નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે "પ્રગતિની ઉડાન"કાર્યક્રમ ઇતિહાસકાર અને શિક્ષણવિદ, લેખક ડૉ.વિદ્યુત જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા,વિનયભાઈ પટેલ,નલિનભાઈ જોશી, તમામ સંસ્થાના આચાર્યો, શિક્ષકો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કુલપતિ ભાવનગર યુનિવર્સીટીના ડૉ. વિદ્યુત જોષીએ જણાવ્યું હતું કે, આપ જયારે ભવિષ્યની શિક્ષિકાઓ છો ત્યારે આપે બાળકને પુસ્તકિયું નહીં પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવાની જરૂર છે.વ્યાખ્યાન એ શિક્ષણ નથી. તેને શીખતો કરવાનો છે. શિક્ષકે સહાયકની ભૂમિકા ભજવવાની છે. સાહિત્યના વિધાર્થીને કવિતા લખતા ન આવડે તો સાહિત્ય ભણ્યાનો અર્થ શો? અહીંની સંસ્થાની શિસ્ત અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. વિધાર્થીઓને ચારિત્રવાન બનાવવા હોય તો આ સંસ્થાની અચૂક મુલાકાત લેવી જોઈએ.
આ પ્રસંગે દિનશા પટેલે જણાવ્યું હતું કે,જીવનમાં એક ડગલું ભરશો તો બીજું પગલું આપોઆપ ભરાશે. ઈશ્વરને શોધવો હોય તો ખોવાઈ જવું પડે.જીવનમાં ધીરજ રાખતાં શીખજો તો સફળતા અચૂક મળશે.હરીફાઈના યુગમાં નંબર મેળવવા કરતાં પોતાનું કાર્ય શ્રેષ્ઠ કરો. એકબીજા સાથે પ્રેમથી રહી સહકારની ભાવના કેળવો.
સંસ્થાના આચાર્ય ડૉ.પ્રીતિબેન રાઠોડે મહેમાનોનો અને સંસ્થાનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યના શિક્ષકો તૈયાર કરતી કોલેજમાં આજે પણ ગાંધી અને સરદારનાં મૂલ્યો અકબંધ છે.મંત્રી ભગવતીબેન પંડ્યાએ ભાવિ ઉન્નત જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.નાટક,ગરબો, નૃત્યનાટીકા, ડાંગીનૃત્ય દ્વારા સ્ત્રી શક્તિ અને સરદારનો પરિચય કરાવ્યો હતો. આભાર વિધિ આધ્યાપક રવિકાન્ત પરમારે કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી બહેનોએ કર્યું હતું.