નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂર્ણતાને આરે, તડામાર તૈયારીઓનો ધમધમાટ
નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂર્ણતાને આરે, તડામાર તૈયારીઓનો ધમધમાટ
ચરોતરની સાક્ષર ભૂમિ નડિયાદને બેનમૂન નૂતન શિખરબદ્ધ મંદિરની ભેટ મળશે.
પ. પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા તા. ૦૭ ડિસેમ્બરના રોજ નડિયાદ ખાતે નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા તડામાર તૈયારીઓ.
આણંદ ટુડે I નડીઆદ
ચરોતરની સાક્ષર ભૂમિ નડિયાદના આંગણે ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યા ચાલી રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈને અક્ષરબ્રહ્મ શ્રીગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત પરંપરામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુવર્યો અને સંતો-ભક્તોએ નડિયાદની ભૂમિને પાવન કરી છે. વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે નડિયાદના નજરાણા સમાન ભવ્ય અને નયનરમ્ય મંદિરના મંડાણ થયા બાદ પીપલગ ચોકડી – નડિયાદ હાઇવે નજીક બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા નુતન શિખરબદ્ધ મંદિર પૂર્ણતાના આરે પહોંચ્યું છે.
આગામી ૭/૧૨/૨૦૨૩ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના તારીખ મુજબના જન્મદિને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે આ નુતન શિખરબદ્ધ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આ માટે સમગ્ર ચરોતરના બી.એ.પી.એસ.ના તમામ સત્સંગ ક્ષેત્રોના સંતો, કાર્યકરો અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. આમ મહોત્સવ ઉપક્રમે ૩૫ જેટલા સેવા વિભાગની રચના કરવામાં આવી છે જેમાં ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને સમર્પણની ભાગીરથી વહાવી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સંતો તથા અન્ય સ્વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેમાં મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને ઈમરજન્સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી પુરુષ તથા મહિલા સ્વયંસેવકો રોજ ઉત્સાહપૂર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે. આમ, નિર્માણાધીન સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવનાં તરંગો ઝીલાઈ રહ્યાં છે.