IMG-20230219-WA0019

તારાપુર ખાતે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક કોર્ટ ભવન ખુલ્લું મુકાયું

તારાપુર ખાતે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક કોર્ટ ભવન ખુલ્લું મુકાયું


આણંદ, 
આણંદ જિલ્લાના તારાપુર ખાતે રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ન્યાયમંદિર ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ અને આણંદ જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજશ્રી બી.એ.વૈષ્ણવના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી આર.એમ.સરીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ માર્ગ અને મકાન વિભાગ  દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક કોર્ટ સંકુલનું ઉદઘાટન કરતા ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી બી. એ. વૈષ્ણવે આનંદની લાગણી વ્યકત કરી હતી.

ન્યાયમૂર્તિ શ્રી બી. એ. વૈષ્ણવ અને શ્રી આર.એમ. સરીને ન્યાયમંદિરના દરેક રૂમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમની સાથે આણંદ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી વી. બી. ગોહિલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવી, તારાપુર કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી દેવાંશું શર્મા તથા જિલ્લાની કોર્ટના જજશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ન્યાય મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો,  પુરુષ વકીલોને બેસવા માટે  સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત હાઇટેક ફેસેલીટી ધરાવતા આ બિલ્ડીંગમાં વીડીયો કોન્ફરન્સીંગની પણ સુવિધા ઉપલબ્ધ બનવવામાં આવી છે જેના કારણે આ ન્યાય મંદીરમાં ન્યાય મેળવવા માટે આવતા લોકોને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે.

તારાપુર ખાતે તૈયાર થયેલ બે માળના નવીન ન્યાય મંદિરના આ મકાનમાં બે કોર્ટ રૂમ, જજશ્રીઓ માટે બે ચેમ્બર, મહિલા અને પુરુષ વકીલ બાર માટે અલાયદા રૂમ, પક્ષકારો માટે વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ, મુદ્દા માલ રૂમ, કોન્ફરન્સ રૂમ,  ફાઇલીંગ સેન્ટર, સ્ટ્રોંગ સેન્ટર રૂમ, રજીસ્ટાર રૂમ, પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સરકારી વકીલની રૂમ, વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા, જજીસ માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા, મહિલા અને પુરુષ કેદીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા, કેન્ટીન ફેસીલીટી, વિડિયો કોન્ફરન્સની સુવિધા, સ્ટેશનરી રૂમ, ઝેરોક્ષ  રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, ઇન્કવાયરી રૂમ, બાર લાઇબ્રેરી રૂમ, નાઝીર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સાઇબર રૂમ,  બેન્ચ ક્લાર્ક રૂમ ઉપરાંત પોસ્ટ અને બેંક સાથેની ફેસિલિટી સાથેનું બે માળનું અત્યંત મકાન તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આણંદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજશ્રી વી. બી. ગોહિલ, જિલ્લાની કોર્ટના જજશ્રીઓ, જિલ્લાની કોર્ટના સરકારી વકીલો, જિલ્લાની કોર્ટના બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ ન્યાયપાલિકાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
*****