કનેવાલ સિંચાઈ તળાવ આધારીત મિલરામપુરા-ગોરાડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના તારાપુર અને ખંભાત તાલુકાના ૩૮ ગામો માટે આશિર્વાદરૂપ બનશે
કનેવાલ સિંચાઈ તળાવ આધારીત મિલરામપુરા-ગોરાડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના
તારાપુર અને ખંભાત તાલુકાના ૩૮ ગામો માટે આશિર્વાદરૂપ બનશે
૩૮ ગામના ૮૬ હજાર લોકોને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે રાજય સરકાર દ્વારા રૂ. ૫૪.૯૬ કરોડના ખર્ચે કામ હાથ ધરાશે
આણંદ,
પાણી એ પ્રત્યેક જીવ માત્રનો આધાર છે. અને એટલા માટે જ પ્રત્યેક વ્યક્તિને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે બાબતને પ્રાથમિકતા આપી રાજય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે અનેકવિધ યોજનાઓ બનાવી તેના ઝડપી અમલીકરણ થકી લોકો સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડી રહી છે. આવી જ એક યોજના સરકારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભાલ પંથકમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોની સાથે ખંભાત તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામડામાં વસતા લોકો માટે બનાવી છે.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભાલ પંથકના ૨૪ અને ખંભાતના દરિયાઈ પટ્ટીના ૧૪ ગામ મળી કુલ ૩૮ ગામોમાં વસતા અંદાજિત ૮૬,૦૧૦ લોકો સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અંદાજિત રૂપિયા ૫૪.૯૬ કરોડની યોજના બનાવી તેનું ઝડપથી અમલીકરણ થાય અને લોકોને તેનો લાભ મળે તે માટેનું કાર્ય આરંભાયું છે.
કનેવાલ સિંચાઈ તળાવ આધારીત મિલરામપુરા-ગોરાડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત તારાપુર અને ખંભાત તાલુકાના કુલ મળી ૩૮ ગામોના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે કુલ ૪ પેકેજમાં કામગીરી હાથ ધરાનાર છે. જે અન્વયે વલ્લી ગૃપ પેકેજ - ૧ માટે અંદાજિત રૂપિયા ૩૦૯૦.૯૫ લાખની વહિવટી મંજુરી આપવામાં આવી છે. જેમાં તારાપુર તાલુકાના ૯ અને ખંભાત તાલુકાના ૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોની ૨૫,૬૭૪ વસતીને આનો લાભ મળશે. જયારે પેકેજ - ૨ તામસા ગૃપ માટે અંદાજિત રૂપિયા ૭૭૯.૭૭ લાખની વહિવટી મંજુરી આપવામાં આવી છે. આ પેકેજ હેઠળ ખંભાત તાલુકાના ૭ ગામોના ૧૫,૬૦૮ લોકોને લાભ મળશે.
પેકેજ - ૩ રોહીણી-કસબારા ગૃપ માટે અંદાજિત રૂપિયા ૯૪૩.૯૭ લાખની વહિવટી મંજુરી આપવામાં આવી છે. જેનાથી તારાપુર તાલુકાના ૪ અને ખંભાત તાલુકાના ૪ ગામોની ૨૨,૧૫૬ વસતીને લાભ મળશે. જયારે મોરજ-ગલીયાણા ગૃપ પેકેજ-૪ માટે અંદાજિત રૂપિયા ૬૮૧.૨૭ લાખની વહિવટી મંજુરી આપવામાં આવી છે. જેમાં તારાપુર તાલુકાના ૧૧ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી આ ગામોની ૨૨,૫૭૨ ની વસતીને લાભ મળશે.
ઉલ્લેખનિય છે કે, રાજય સરકાર દ્વારા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોની સાથે ખંભાત તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામડામાં વસતા લોકોને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે હાથ ધરવામાં આવનાર આ યોજના આગામી ઓગસ્ટ – ૨૦૨૪ સુધીમાં એટલે કે, ૧૮ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થતાં તારાપુર અને ખંભાત તાલુકાની ૮૬,૦૧૦ ની વસતીને તેની જરૂરીયાત મુજબનું પીવાનું શુધ્ધ પાણી પ્રાપ્ય થશે.
*************