આણંદમાં ઝાડા ઉલટીના કુલ 41 કેસ અને કોલેરાના 04 કેસ પોઝિટિવ નોંધાયા
આણંદમાં ઝાડા ઉલટીના કુલ 41 કેસ અને કોલેરાના 04 કેસ પોઝિટિવ નોંધાયા
શહેરમાં ૦૭ દર્દીઓ વધુ સારવાર માટે દાખલ
આણંદ, શનિવાર
આણંદ શહેર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ મળી આવતાં અને તે પૈકી ૦૨ કેસ કોલેરાના પોઝિટિવ માલુમ પડતા જિલ્લા કલેકટર શ્રીએ આણંદ શહેર અને તેની આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે. ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આણંદ શહેર વિસ્તારમાં દર્દીઓની તપાસ, સારવાર, ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ આણંદ શહેર વિસ્તારમાં ઝાડા ઉલટીના કુલ ૪૧ કેસ નોંધાયા છે, તે પૈકી ૦૪ કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડેલ છે. આણંદ શહેર વિસ્તારમાં ૧૯૪૫૦ લોકોના સમૂહમાંથી ૪૧ વ્યક્તિ ઓને ઝાડા ઉલટી સંબંધી અસર થઈ હોવાનો માલૂમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ૨૫ ટીમ બનાવવામાં આવી છે, જેમાં ૦૪ મેડિકલ ઓફિસર અને ૫૦ પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યા છે. આણંદ શહેરી વિસ્તારમાં ૯૬૭ ક્લોરિન ટેબલેટનું વિતરણ, ૧૦૨ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ૧૩૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૬૪ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પાણીના ૦૫ સેમ્પલ લેવામાં આવ્યા છે, અને ઝાડા ઉલટીના પણ સેમ્પલ લઈને આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા, તે પૈકી ચાર કેસ કોલેરાના પોઝિટિવ માલુમ પડ્યા છે. ૧૮ પુરુષ અને ૨૩ મહિલાઓ તથા ૦૬ બાળકોને પણ ઝાડા ઉલટી ની વધુ અસર થઈ છે, તે પૈકી ૦૭ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેર વિસ્તારમાં ઘેર ઘેર ફરીને ઝાડા- ઉલટી ના કેસની તપાસ હાથ ધરી રહ્યા છે. આ ટીમ દ્વારા ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ઓ. આર. એસ. પેકેટ અને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આણંદ શહેર વિસ્તારના નાગરિકોને તાજો ખોરાક ખાવા, ગરમ કરેલું અથવા કલોરીન વાળું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઝાડા- ઉલટી ના ૨૫ જેટલા દર્દીઓ સારવાર હેઠળ
છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૭૫ જેટલા ઝાડા- ઉલટી ના દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી
કલોરીન વાળું પાણી પીવા અને તાજો ખોરાક ખાવા નગરજનોને અનુરોધ
આણંદ શહેર વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે અને દૂષિત પાણી પીવાથી છેલ્લા ૧૫ દિવસથી ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. આણંદ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૭૫ જેટલા ઝાડા ઉલટીના દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી છે, તેમ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું છે.
તેમના જણાવ્યા મુજબ હાલ જનરલ હોસ્પિટલ ખાતે ૨૫ જેટલા દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી રહ્યા છે. જનરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ ખાતે ૨૪ x ૭ ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આઉટડોર પેશન્ટ તરીકે પણ ઝાડા ઉલટીના દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આણંદ શહેરી વિસ્તારના નગરજનો એ હાલ ક્લોરીન વાળું પાણી પીવું જોઈએ અને કોઈપણ વ્યક્તિને ઝાડા ઉલટી ની વધુ અસર જણાય તો તાત્કાલિક આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવવા પણ તેમણે વધુમાં જણાવ્યું છે.
***