મહેમદાવાદની કુલ ૧૦૫ મહિલાઓએ સિવણ, ૪૫ બહેનોએ બ્યુટીપાર્લર અને ૬૦ બાળકોએ વિશેષ શૈક્ષણિક વર્ગો થકી જીવન ઘડતરની દિશામાં પ્રયાણ કર્યુ
“યા દેવી સર્વભૂતેષુ સ્વયંસિદ્ધા રૂપેણ સંસ્થિતા”
ખેડા જિલ્લા પોલીસ અને ‘વિન્ગ્સ ટુ ફ્લાય’ એનજીઓ દ્વારા મહેમદાવાદ ખાતે મહિલા-સશક્તિકરણનું અનેરું અભિયાન એટલે "સ્વયંસિદ્ધા" પ્રોજેક્ટ
"સ્વયંસિદ્ધા" પ્રોજેક્ટની અસરથી મહેમદાવાદના બોડીરોજી અને ભાથીજી ફળિયાના વિસ્તારમાં ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ના બે માસમાં દારૂના કેસોમાં ૫૦%નો ધરખમ ઘટાડો થયો છે- મહેમદાવાદ પી.આઈ શ્રી એચ.વી.સીસારા
સેન્ટર પર આવતી મહિલાઓના ડોક્યુમેન્ટ્સ સંબધી મુશ્કેલીઓ દૂર કરી સરકારી યોજનાકીય સહાય અપાવવા મદદ કરવામાં આવે છે
સ્વરોજગાર, સામાજિક સૌહાર્દ અને છેવાડાના બાળક સુધી શિક્ષણ લઈ જતો ત્રિસ્તરીય વિકાસ અભિગમ એટલે સ્વયંસિદ્ધા રીહેબીલીટેશન પ્રોજેક્ટ
નડીઆદ
‘સલાહ નહિ પણ સહકાર આપો’ ના સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા ખેડા જિલ્લા પોલીસ અને ‘વિન્ગ્સ ટુ ફ્લાય – ધ ફાઉન્ડેશન’ એનજીઓના સહયોગથી મહેમદાવાદના બોડીરોજી, આંબાવાડી અને ભાથીજી ફળિયાની અગાઉ અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલી કેટલીક બહેનોને વિવિધ કૌશલ્ય તાલીમ દ્વારા આત્મનિર્ભર બનાવવા અને તેમના બાળકોને શિક્ષણ આપી સમાજની મુખ્યધારામાં લાવવા માટે ‘સ્વંયસિદ્ધા’ પ્રોજેક્ટ હેઠળ મહિલા સશક્તિકરણની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
નારીઓના ગૌરવ અને ગરિમાને મજબુત કરતા સ્વંયસિદ્ધા પ્રોજેક્ટ અંતર્ગત કૌશલ્યવર્ધનના વર્ગોની શરૂઆત તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ગુજરાત ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી દ્વારા કરવામાં આવી હતી. હાલ, આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૦૫ બહેનોને ફક્ત મહિલા પ્રશિક્ષકો દ્વારા બ્યુટી વેલનેસ અને સિવણકામની કૌશલ્ય લક્ષી તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત આ તાલીમાર્થી મહિલાઓના ડોક્યુમેન્ટ્સ સંબધિત સમસ્યાઓના નિરાકરણ માટે એક ખાસ વ્યવસ્થા અને તેમના બાળકોના અભ્યાસ માટે વિશેષ શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવે છે.
‘સ્વંયસિદ્ધા’ પ્રોજેક્ટ અંતર્ગત મહેમદાવાદના સરદાર નગર ખાતે ૧૫ અધ્યતન સિલાઈ મશીન તથા બ્યુટી વેલનેસની સામગ્રીથી સુસજ્જ ૧૦ રૂમના એક વિશાળ સુવિધાયુક્ત મકાનમાં ૧૦૫ લાભાર્થી મહિલાઓ નિયમિત ધોરણે સોમવારથી શનિવાર દરમિયાન અલગ અલગ બેચમાં સિલાઈ કામ અને બ્યુટી વેલનેસ કોર્સ અંતર્ગત તાલીમ દ્વારા સ્વરોજગાર ઉભો કરવા હેતુ આત્મનિર્ભર બનવા પહેલ કરી છે.
મહેમદાવાદ સરદાર નગર સ્થિત સેન્ટર પર ૬૦ બહેનો બે બેચમાં સવારે ૧૦ થી ૧૨ અને બપોરે ૦૨ થી ૦૪ દરમિયાન ૧૫ અધ્યતન સિલાઈ મશીન ઉપર એક કુશળ પ્રશિક્ષકની હેઠળ સિવણની તાલીમ લઈ રહી છે. જેમાં તેમને પ્રાયોગિક સિવણ કામ સાથે સિવણ મશીનના પાર્ટ્સની જાણકારી, સ્ટિચિંગ લેવલની માહિતી અને સિવણકામને લગતી ઔપચારિક ભાષા પણ શીખવવામાં આવે છે. હાલમાં, તાલીમાર્થી બહેનો દ્વારા હાથ રૂમાલ, બેબી નીકર, સાદા અને ફેન્સી માસ્ક, સાદી અને ફેન્સી કાનટોપી, કુશન કવર બનાવવામાં આવે છે. ઉપરાંત તેઓને હાથ સિલાઈની બનાવટો પણ શીખવવામાં આવે છે.
પોતાનો અનુભવ જણાવતા સિવણકામ તાલિમાર્થી શ્રી લક્ષ્મીબેન મહેશભાઈ તળપદા જણાવે છે સિલાઈકામ શીખીને તેઓને રોજગાર માટે બહાર નહિ જવું પડે કે કોઈના ઓશિયાળા નહિ થવું પડે. કેમ કે હવે તેઓ ઘેર બેઠા જ સિલાઈકામ કરી શકશે અને ઘરખર્ચ માટે જરૂરી પૈસા કમાઈ શકશે.
સેન્ટર પર આવતી આ તાલીમાર્થી મહિલાઓની દીકરીઓ તેમજ બોડીરોજી, આંબાવાડી તથા ભાથીજી ફળિયાની અન્ય બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા બ્યુટી પાર્લરના કોર્સની કુલ ત્રણ બેચ ચલાવવામાં આવે છે. આ કોર્સ અંતર્ગત કુલ ૪૫ બહેનો રસપુર્વક આઇબ્રો, વેક્સ, બ્લીચ, મેનિક્યોર, પેડીક્યોર અને હેર ગૃમીંગ શીખી રહી છે. અહીંથી તાલીમ પામેલી ઘણી હોંશિયાર બહેનો તેમના ફળીયામાં રહેતી અન્ય મહિલાઓ અને યુવતીઓને વિવિધ સામાજિક પ્રસંગોમાં તૈયાર કરીને પારસ્પર આત્મિયતા વધારવાનું કાર્ય પણ ચાલુ કરી દીધું છે.
બ્યુટી વેલનેસ તાલીમાર્થી મિત્તલબેન રાજેશભાઈ તળપદા આત્મવિશ્વાસથી જણાવે છે કે સ્વંયસિદ્ધા પ્રોજેક્ટ સેન્ટર પર આવીને તેઓ આઇબ્રો, વેક્સ, બ્લીચ શીખ્યા છે. અને હવે તેઓ મેનિક્યોર, પેડીક્યોર અને હેર ગ્રુમીંગ પર હાથ અજમાવવા માંગે છે. હેતલબેન ભવિષ્યમાં પોતાનું બ્યુટીપાર્લર ખોલી તેના પરિવાર માટે મદદરૂપ થવા ઈચ્છે છે.
આજે ગુજરાત અને ભારત સરકાર દ્વારા જનકલ્યાણ અને મહિલા સશક્તિકરણની અનેકવિધ યોજનાઓ ચલાવામાં આવે છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે યોગ્ય ડોક્યુમેન્ટ્સ હોવા એ પૂર્વશરત છે. સેન્ટર પર આવતી તમામ મહિલાઓના ડોક્યુમેન્ટ્સ સંબધિત સમસ્યાઓના નિરાકરણ માટે એક ખાસ વ્યવસ્થા અંતર્ગત અહીં નિયુક્ત બે કર્મીઓ દ્વારા મહિલાઓને સામાન્ય યોજનાકીય માર્ગદર્શનથી લઈને જે તે સરકારી કચેરી સુધી સાથે જઈને યોજનાકીય લાભ મળે એ સુનિશ્ચિત કરવાનું મહત્વનું કાર્ય કરવામાં આવે છે. આ મહિલાઓના આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ અમુક વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના થકી પેન્શન મેળવવામાં પણ સહાય કરવામાં આવી છે.
આ ઉપરાંત સેન્ટર પર આવતી મહિલાઓના બાળકોમાં કોઈ પણ પ્રકારનું સામાજિક દૂષણ કે બદીને મૂળમાં જ અટકાવી આ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે ખાસ શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં કે.જીથી લઈને ધોરણ ૧૦ સુધીના કુલ ૬૦ બાળકોને નિયમિત રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો ભણાવવામાં આવે છે. સાથે સાથે ધોરણ-૧૦ના ૦૭ રીપીટર્સ વિદ્યાર્થીઓેને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી અભ્યાસ માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સર્જનાત્મકતા, ટીમ વર્ક, કમ્યુનિકેશન અને પ્રોબ્લમ સોલ્વીંગ માનસિકતાને વિકસાવવા STEM (Science, Technology, Engineering and Mathematics) અંતર્ગત એક્સ્ટ્રા કરીક્યુલમ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. તેમજ બાળકોને એક્સટર્નલ એક્સપોઝર આપવા અમદાવાદમાં મ્યુઝિયમ અને રિવરફ્રન્ટના પ્રવાસે પણ લઈ જવામાં આવ્યા છે.
સ્વયંસિદ્ધા પ્રોજેક્ટના અનુસંધાને મહેમદાવાદ પી.આઈ શ્રી એચ.વી. સીસારા જણાવે છે આગામી દિવસોમાં ખેડા જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આ પ્રોજેક્ટ તાલીમાર્થી બહેનો માટે સ્ટાઈપેન્ડ ઉપરાંત તેમને ઘરે બેઠા જ સ્વરોજગાર મળે એ સુનિશ્ચિત કરવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી આવેલ સકારાત્મક પરીણામની વાત કરતા પી.આઈ. શ્રી સીસારા જણાવે છે કે "સ્વયંસિદ્ધા" પ્રોજેક્ટની અસરથી મહેમદાવાદમાં ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩ના બે માસના આ વિસ્તારમાં દારૂના કેસોમાં ૫૦%નો ધરખમ ઘટાડો થયો છે. જેમાં સમાંતર માસની સ્થિતિએ જોઈએ તો ડિસેમ્બર ૨૦૨૧માં આલ્કોહોલ પ્રોહિબિશનના ૭૧ કેસો હતા તે ડિસેમ્બર ૨૦૨૨માં ઘટીને ફક્ત ૨૭ હતા અને જાન્યુઆરી ૨૦૨૨માં પ્રોહિબિશન કેસો ૭૦ હતા જે ઘટીને જાન્યુઆરી ૨૦૨૩ માં ૨૫ થયા છે.
કોઈ પણ સામાજિક સશક્તિકરણ કે વિકાસના અભિયાનમાં જેના માટે કાર્ય કરવામાં આવતુ હોય એ લોકો તરફથી સહકાર અને ‘બોટમ-અપ એપ્રોચ ટુ ડેવલપમેન્ટ’ હોવો એ પુર્વશરત છે. આ બાબતે વિંગ્સ ટુ ફ્લાય - ધ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી અર્પિતાબેન વ્યાસ આનંદ સાથે જણાવે છે કે ‘સ્વંયસિદ્ધા’ પ્રોજેક્ટના તાલીમાર્થી બહેનો ખુબ જ નિયમિત રીતે સેન્ટર પર આવીને સિવણ અને બ્યુટીપાર્લરની તાલીમ લઈ રહી છે. સ્વરોજગાર નિર્માણની દિશામાં તાલીમાર્થી બહેનોનો સકારાત્મક અભિગમ જોઈને મહિલા સશક્તિકરણના પ્રયત્નો પરીણામલક્ષી બનશે એ વિશ્વાસ શ્રી અર્પિતાબેને વ્યક્ત કર્યો હતો.
વર્ષ ૨૦૧૩માં શરૂ કરાયેલ વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ, આજીવિકા, યુવા સશક્તિકરણ, બાળ કલ્યાણ, શિક્ષણ અને કૌશલ્ય વિકસાવવા માટે કામ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા ૨૫૦૦૦ થી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરીવર્તન લાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સ્વયંસિદ્ધા પ્રોજેક્ટની એક સહિયારો પ્રયાસ છે. જેમાં ઈનોવેટિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મના શ્રી વિનોદભાઈ પટેલ, લોએના ગ્રુપના શ્રી નીલેશભાઈ પટેલ, કે.એચ.એસ મશીનરી ફેકટરીના એમ.ડી યતિન્દ્ર શર્મા ઉપરાંત સિદ્ધિવિનાયક ટેમ્પલ, મારુતિ એસોસીએટ એલએલપી અને દેવાશ્રય પેપર્સ ઇન્ડિયા એલેએલપી દ્વારા આ પ્રોજેક્ટમાં વિવિધ સહાય આપવામાં આવી છે.
અહિં એ પણ નોંધવુ જરૂરી છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૮ માર્ચ, ૨૦૨૩ના રોજ મહિલા દિવસની ઉજવણી થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસ તંત્ર અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન, એનજીઓના દ્વારા સ્વયંસિદ્ધા રીહેબીલીટેશન પ્રોજેક્ટ હેઠળ મહિલા સશક્તિકરણની કામગીરીને આપણે સૌએ બિરદાવીએ અને આવા સકારાત્મક કાર્યોમાંથી પ્રેરણા મેળવી આપણી આસપાસના વંચિતોના વિકાસ હેતુ કાર્ય કરીએ.
000000