આણંદ જિલ્લા રોજગાર કચેરીની નવતર પહેલ, જિલ્લામાં પ્રથમ વખત યોજાયો ગ્રામ્ય કક્ષાનો રોજગાર ભરતી મેળો
આણંદ જિલ્લા રોજગાર કચેરીની નવતર પહેલ, જિલ્લામાં પ્રથમ વખત યોજાયો ગ્રામ્ય કક્ષાનો રોજગાર ભરતી મેળો
જિલ્લા રોજગાર કચેરી તથા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠના સુંદલપુરા ગામ ખાતે કરાયું હતું આયોજન
ઉમેદવારોને ભરતી મેળામાં મળી રોજગારીની તક : સ્વરોજગાર માર્ગદર્શન શિબિર સાથે વિનામૂલ્યે સરકારી સાહિત્યનો લાભ
આણંદ,
રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે હેતુથી રાજ્યમાં આવેલ તમામ જિલ્લા રોજગાર કચેરીઓ દ્વારા રોજગાર ભરતી મેળાના આયોજન થકી યુવાઓને રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજય સરકારની યુવાઓને રોજગારી પૂરી પાડવાના ધ્યેયને સાચા અર્થમાં સાર્થક બનાવવા આણંદ જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેન્ટર) દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે આણંદ જિલ્લા માહિતી કચેરીના સહયોગથી સૌ પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાના રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર કચેરી અને આણંદ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત ઉમેદવારોને રાજ્ય સરકારના ગુજરાત પાક્ષિક ઉપરાંત લોકોપયોગી યોજનાલક્ષી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવાઓ માટે ઉપયોગી આ સાહિત્યમાં વિવિધ સરકારી યોજનાઓ તથા સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની વિસ્તૃત સમજ આપવામાં આવી છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ જિલ્લામાં પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ ભરતી મેળા માટે સુંદલપુરા પ્રાથમિક શાળાની પસંદગી કરવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે આ પ્રકારના આયોજનથી ગામડાઓમાં રહેતા રોજગાર વાંચ્છુક યુવાનોને ઘર આંગણે રોજગારના અવસર મળી શકશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુંદલપુરા ખાતે યોજાયેલ આ ભરતીમેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનો લાભ સુંદલપુરા ગામના અને આસપાસના વિસ્તારના ૧૮ થી ૩૫ વર્ષની વયના ઉમેદવારોએ મોટી સંખ્યામાં લીધો હતો. આ ભરતી મેળામાં આણંદ તેમજ અન્ય જિલ્લાઓના ખાનગી એકમના કુલ પાંચ નોકરીદાતાઓ દ્વારા દસમા ધોરણ થી લઈને અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય તેવા કુશળ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓ, સુંદલપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને અન્ય સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
***