1001001328

૭૬મા પ્રજાસત્તાક પર્વની આણંદ મહાનગરપાલિકા ખાતે આન બાન શાન સાથે ઉજવણી

૭૬મા પ્રજાસત્તાક પર્વની આણંદ મહાનગરપાલિકા ખાતે આન બાન શાન સાથે ઉજવણી

નવરચિત મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી

આગામી સમયમાં આણંદના સર્વાંગી વિકાસનો રોડમેપ  તૈયાર કરવામાં આવશે:શ્રી મિલિન્દ બાપના

આણંદ મહાનગરપાલિકામાં  સમાવિષ્ટ વિવિધ વિસ્તારોના નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે મહાનગરપાલિકાનું તંત્ર કટિબદ્ધ

૬૮મી રાષ્ટ્રીય શાળા સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મલેક રિઝવાનાબાનુ સહિત ચાર પ્રતિભાશાળી શિક્ષિકાઓ અને ત્રણ શ્રેષ્ઠ સફાઈ કર્મીઓનું કરાયું સન્માન

આણંદ

૭૬મા પ્રજાસત્તાક  પર્વની આણંદ મહાનગરપાલિકા ખાતે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.આણંદ મહાનગરપાલિકાના પટાંગણમાં નવરચિત મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી હતી.

મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે તાજેતરમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આણંદ મહાનગરપાલિકામાં આણંદ,વલ્લભ વિદ્યાનગર,કરમસદ નગરપાલિકા અને મોગરી,જીટોડીયા,ગામડી,લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે,શહેરના ચિખોદરા ચોકડી થી જનતા ચોકડી તેમજ આણંદ વિદ્યાનગર માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહી આણંદ નગરના સર્વાંગી વિકાસનો રોડમેપ પણ આગામી સમયમાં  તૈયાર કરવામાં આવશે.

આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિવિધ વિભાગો પણ કાર્યરત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત મહાનગરપાલિકામાં પૂર્વ પશ્ચિમ એમ બે ઝોનઊભા કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. 
આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા  મહાનગરપાલિકાની રચના કરી છે.
આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સહિત જાહેર માર્ગો પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી  વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

આણંદ મહાનગરપાલિકામાં  સમાવિષ્ટ વિવિધ વિસ્તારોના નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર કટિબદ્ધ છે તેમ જણાવતાં તેમણે આજના શુભ દિવસે આણંદ મહાનગર ક્લીન,ગ્રીન તેમજ સ્માર્ટ સીટી બને તે માટે સૌ નગરજનોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

 સૌના સહીયારા પ્રયત્નો થકી જ આણંદ મહાનગરપાલિકાને આપણે આદર્શ મહાનગરપાલિકા તરીકે સ્થાપિત કરી શકીશું.આણંદ મહાનગરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સૌ નાગરિકો પ્રતિબદ્ધ બને તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે,આઝાદીની લડતમાં ચરોતર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.આઝાદી બાદ આજ પાવનભૂમિના પનોતા પુત્ર સરદાર સાહેબે ૫૬૨ જેટલા રજવાડાઓનું એકીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. 
દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર સૌ નામી અનામી શહીદોનું સ્મરણ કરી ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વરિષ્ઠ નાગરિકો, અધિકારીઓ, કર્મયોગીઓ અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને પ્રજાસત્તાક પર્વની તેમણે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.   

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓના હસ્તે ૬૮મી રાષ્ટ્રીય શાળા સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મલેક રિઝવાનાબાનુ સહિત આણંદ મહાનગરપાલિકા હસ્તકની શાળાના  પ્રતિભાશાળી શિક્ષકો સર્વશ્રી અલકાબેન મહિડા, દક્ષાબેન ખીમનાની, સંધ્યાબેન ચૌહાણ અને કલ્પનાબેન પરમારનું શાલ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાએ નગરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનાર  ધનવંતભાઈ વાઘેલા,જશોદાબેન સોલંકી અને રાજેશભાઈ વાઘેલાનું શ્રેષ્ઠ સફાઈ કર્મી તરીકે શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા,શ્રી એસ.કે. ગરવાલ,આણંદ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ,કર્મીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.