આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
આણંદ જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" યોજાશે
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના સુચારૂ આયોજન અર્થે
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી
આણંદ, બુધવાર
રાજ્યના દરેક નાગરિકો કેન્દ્ર સરકારની યોજનાઓથી માહિતગાર બને તેમજ યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તેવા આશયથી રાજ્યની સાથે આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" યોજાશે, જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત જિલ્લાના દરેક ગામ ખાતે ગ્રામસભાની સાથે, રસીકરણ ઝુંબેશ, આરોગ્યલક્ષી કેમ્પ તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવશે.
કલેક્ટરશ્રીએ જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરીને કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેના અમલીકરણ અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈએ કાર્યક્રમના આયોજનની રૂપરેખા આપીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે સરકારની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી બનાવવા તેમજ મહિલા સશક્તિકરણ માટે ગામની સફળ મહિલાઓ તેમજ રમતવીરોનું સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી એન.ડી.ઇટાલિયન, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***