આણંદમાં ત્રણ પાર્ટી પ્લોટ અને એક ટ્યુશન ક્લાસીસ સીલ કરાયો
આણંદ મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ
આણંદમાં ત્રણ પાર્ટી પ્લોટ અને એક ટ્યુશન ક્લાસીસ સીલ કરાયો
ફાયર NOC ન હોવાથી આણંદ મહાનગરપાલિકાએ સીલ માર્યું
મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ અને કોચિંગ ક્લાસીસ ફાયર એનઓસી મેળવી લે તે જરૂરી- મિલિંદ બાપના, કમિશનર, આણંદ મહાનગરપાલિકા
આણંદ, બુધવાર
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ ખાતે ફાયર એનઓસી છે કે કેમ? તેની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકાની ફાયર વિભાગ ની ટીમ દ્વારા આજે કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વઘાસી રોડ ઉપર આવેલ વિધિ પાર્ટી પ્લોટ, ગણેશ ચોકડી પાસેના પંચવટી પાર્ટી પ્લોટ અને સ્વસ્તિક વાટિકા ખાતે જરૂરી ફાયર એનઓસી ન હોવાને કારણે તાત્કાલિક અસરથી આ ટીમ દ્વારા આ ત્રણેય પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ સ્માર્ટ બજારની બાજુમાં, પેટ્રોલ પંપની સામે, સિદ્ધ ઇન્સ્ટિટયૂટ કે જે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેની ચકાસણી કરતા આ ઇન્સ્ટિટયૂટ ખાતે ફાયર એનઓસી મેળવેલ નથી, તેમ જણાવતા આણંદ મહાનગરપાલિકા ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સિદ્ધ ઇન્સ્ટિટ્યૂટને પણ સીલ કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના જણાવ્યા મુજબ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ કે જેમની પાસે ફાયર એનઓસી નથી, જે તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આણંદ મહાનગરપાલિકાની ફાયર વિભાગ ની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તે મુજબ જે કોચિંગ ક્લાસીસ, પાર્ટી પ્લોટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફાયર એનઓસી મેળવેલ નહીં હોય તો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે, તેમ જણાવ્યું છે.
***