IMG-20230927-WA0036

આવતીકાલે આણંદ જિલ્લામાં વિઘ્નહર્તાનું વિસર્જન કરાશે

10-10 દિવસના આતિથ્ય માણ્યા બાદ

આવતીકાલે આણંદ જિલ્લામાં વિઘ્નહર્તાનું વિસર્જન કરાશે

ગણપતિ બાપા મોરયા અગલે બરસ જલ્દી આના...ના ગગન ભેદી નાદ સાથે જિલ્લાના માર્ગો ગણેશમય બનશે

વિસર્જન સ્થળોએ તકેદારીના ભાગરૂપે અગ્નિશામક દળ સહિત તરવૈયાઓની ટુકડીઓ તૈનાત કરાશે.

આણંદ ,બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, સોજિત્રા, આંકલાવ અને ઉમરેઠ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દૂંદાળા દેવની ભવ્ય વિસર્જનયાત્રા નીકળશે

આણંદ ટુડે I આણંદ
દસ- દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ રિધ્ધિ-સિધ્ધિના નાયક ગણપતિ બાપાને સમગ્ર આણંદ જિલ્લામાં ભાદરવા સુદ અનંત ચૌદશને ગુરૂવારના રોજ ભક્તિભાવપૂવર્ક ઢોલ-નગારા-ત્રાસા અને બેન્ડવાજા તેમજ ડી.જે.ના તાલે વાજતે-ગાજતે ભાવભરી વિદાય આપવામાં આવશે. 
સમગ્ર જિલ્લામાં વિવિધ યુવક મંડળો દ્વારા સ્થાપિત કરાયેલી ગણપતિ બાપાની વિરાટ થી વામન કદની  પ્રતિમાઓની જિલ્લાના વિવિધ રાજમાર્ગો પર અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરીયા.. અલગે બરસ તુ જલ્દી આના..ના ગગનભેદી નારા સાથે વિસર્જન યાત્રા નીકળશે. શોભાયાત્રા દરમ્યાન ઢોલ-નગરા અને ડી.જે.ના તાલે યુવાધન સહિત અબાલ-વૃધ્ધો સૌ કોઈ હિલોળે ચઢશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર જિલ્લામાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિધ્નહર્તાની વિસર્જનયાત્રા નીકળશે.
આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથક બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, સોજિત્રા, આંકલાવ અને ઉમરેઠ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ રાજમાર્ગો તા.ર૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ને ગુરૂવારના રોજ ઢોલ-નગારા-ત્રાંસા, બેન્ડવાજા, ડી.જે.સીસ્ટમના તાલે ગણપતિ બાપ્પા મોરિયા...ના જયઘોષ ગુંજી ઉઠશે. દૂંદાળા દેવની ભવ્ય વિસર્જનયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજથી જ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ઉપરાંત વાહનવ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ વિસર્જન સ્થળોએ તકેદારીના ભાગરૂપે અગ્નિશામક દળ સહિત અન્ય તરવૈયાઓની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
આણંદ શહેરમાં ગુરૂવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શહેરની મધ્યમાં આવેલ જલારામ મંદિર પાસેના આઝાદ મેદાન ખાતેથી ગણેશ વિસર્જન યાત્રાનો રંગેચંગે પ્રારંભ થશે. દૂંદાળા દેવની શાહી સવારી શહેરના અંબાજી મંદિર, માનીયાની ખાડ, ગોપી સિનેમા રોડ, લોટીયા ભાગોળ, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડીવડ ચાર રસ્તા, આણંદ પાલિકા ભવન થઈને સ્ટેશન રોડ, ગોપાલ ચાર રસ્તા, સરકારી દવાખાનું, જુના બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, મેફેર રોડ થઈ લક્ષ્મી ચાર રસ્તા, થઈ પરત ગામડીવડ , ગ્રીડ ચોકડી, સંકેત ચાર રસ્તા થઈ આણંદના બાકરોલ તેમજ આણંદ ગોયા તળાવ ખાતે પહોંચશે. જ્યાં ગણેશજીની નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાશે. કેટલાક યુવક મંડળો દ્વારા આણંદ તાલુકાના વેરાખાડી તથા વાસદ સ્થિત મહીસાગર નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે.

ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્તનો તૈનાત કરાશે.

આણંદ જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે.  વિસર્જન યાત્રામાં ૧-એસ.પી, પ- ડીવાયએસપી, ૨૬-પી.આઈ,૭૨-પી.એસ.આઈ,૯૧૫-પોલીસ જવાનો, ૧૭૦- બોડી વન કેમેરા, ૧૧૫૦-હોમગાર્ડ,૫૦૦-જી આર ડી,અને ૧- એસ.આર.પી અને ૧-બી.એસ.એફ કંપની બંદોબસ્તમાં ગોઠવાશે. સાથે સાથે શોભાયાત્રામાં ૪૦ વિડીયો ગ્રાફર દ્વારા શુટીંગ પણ કરવામાં આવશે. ઉપરાંત વિસર્જન યાત્રાના રૂટ ઉપર ૫૦ જેટલા એક્સ્ટ્રા વાહનો ,ધાબા પોઈન્ટ, પેટ્રોલીંગ દ્વારા બાઝ નજર રાખવામાં આવશે.

આણંદમાં 25 યુવક મંડળો વિર્સજન યાત્રામાં જોડાશે

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 1234 જગ્યાઓએ ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ગુરૂવારના રોજ ભાવિકો દૂંદાળા દેવને ભાવભીની વિદાય આપશે ત્યારે આ વર્ષે આણંદ શહેરમાં 113થી વધુ જગ્યાઓએ ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાંથી 25 જેટલા યુવક મંડળો વિસર્જન યાત્રામાં જોડાનાર હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે આણંદના બાકરોલ અને ગોયા તળાવ ખાતે શ્રીજી ની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોઈ ફાયરબ્રિગેડની ટીમ પણ તરાપા, ઈલેક્ટ્રીક બોટ, લાઈટો સહિતના સાધનનો સાથે ખડે પગે તૈનાત રહી ભગવાન ગણેશજીની પ્રતિમાને ભક્તિભાવપૂર્વક તળાવમાં વિસર્જીત કરશે.