આણંદ જિલ્લામાં તા.૮ માર્ચ સુધી કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ
આણંદ જિલ્લામાં તા.૮ માર્ચ સુધી કેટલાંક માર્ગો પર અવર-જવર કરવા પર પ્રતિબંધ
વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે ડાકોર પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા- સલામતીને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં
આણંદ,
ફાગણ સુદ પૂનમ (હોળી-ધુળેટી)ના તહેવાર નિમિત્તે ડાકોર ખાતે આવેલ રણછોડજી મંદિરે આગામી તા.૦૪/૩/૨૦૨૩ થી તા.૦૮/૩/૨૦૨૩ સુધી ધાર્મિક લોક મેળો ભરાનાર છે. આ મેળામાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા દર્શનાર્થે જતા હોય છે. આ દરમિયાન વાહનોની અવર-જવરના કારણે અકસ્માત અને જાનહાની થવાની સંભાવના રહેતી હોય છે. જેથી પદયાત્રીઓની સલામતીને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ તા.૦૪/૩/૨૦૨૩ થી તા.૦૮/૩/૨૦૨૩ સુધી કેટલાંક માર્ગો ઉપરથી પસાર થતા ભારે માલવાહક વાહનોની અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે વાસદ ચોકડીથી સારસા, ખંભોળજ, ઓડ, ઉમરેઠ થઇ ડાકોર તરફ જતા મોટા વાહનોએ આણંદ હાઇવે ચોકડી થઇ આગળ જવાનું રહેશે. આજ રીતે ભાલેજ ચોકડી, લીંગડા ઉમરેઠ થઇ ડાકોર તરફ જતા મોટા વાહનોએ ભાલેજ ચોકડીથી ચકલાસી રોડ થઇ હાઇવે તરફ જવાનું રહેશે. જયારે ઉમરેઠ ત્રણ રસ્તાથી ડાકોર તરફ જતા વાહનોએ ઓડ, સારસા થઇ આગળ જવાનું રહેશે, તેમજ પણસોરા ચોકડી, અલિણા ચોકડી તરફ જતા તમામ વાહનોએ પણસોરા ચોકડીથી નડીયાદ તરફ થઈ આગળ જવાનું રહેશે.
આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં, તેમજ આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
*****