સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત લાભાર્થીઓને ઘર આંગણે લાભ મળશે– સાંસદશ્રી મિતેષભાઇ પટેલ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત લાભાર્થીઓને ઘર આંગણે લાભ મળશે-સાંસદશ્રી મિતેષભાઇ પટેલ
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઇને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ
લાભાર્થીઓને યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું
આણંદ, ગુરૂવાર
ભારત સરકારની વિવિધ ૧૯ જેટલી યોજનાઓના લાભો ગામે ગામ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં પ્રારંભ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રથમ દિવસે આણંદ તાલુકાના સામરખા ગામે પહોંચી હતી, ત્યારે ગામના બાકી રહેલ તમામ લાભાર્થીઓ વિવિધ યોજનાઓના લાભો ગામ ખાતેથી જ મેળવી લે તેવો અનુરોધ કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાચા લાભાર્થી બાકી ન રહી જાય તે માટે તમારા આંગણે સરકાર યોજનાઓ લઈને આવી છે, આ યાત્રાના માધ્યમથી ખાસ કરીને આયુષ્માન કાર્ડ જેમણે મેળવવાના બાકી છે તેઓ મેળવી લે, જેના માધ્યમથી જ્યારે પણ ગરીબના ઘરમાં આરોગ્યલક્ષી આફત આવે ત્યારે આ કાર્ડના માધ્યમથી રક્ષણ મળે છે, તેમ જણાવી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ લાભ મેળવવા સાંસદશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.
સાંસદશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભો આપવા આવી છે, ત્યારે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આર્થિક રીતે પગભર થવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે કરેલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના જેમણે લાભ મેળવ્યા છે તેવા લાભાર્થી કે જેમને આયુષ્માન કાર્ડના કારણે હૃદય રોગનું ઓપરેશન વિનામૂલ્યે થયું છે તેમણે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મારું હૃદયનું ઓપરેશન વિનામૂલ્ય થયું અને દવાખાનેથી ઘરે જવા સુધીની પણ વિશેષ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત જે બાળકને યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે હૃદયનું ઓપરેશન થયું હતું તેવા પરમાર ભરતભાઈ પૂનમભાઈના માતૃશ્રીએ જણાવ્યું કે, આર.બી.એસ.કે. યોજનાના માધ્યમથી અને આરોગ્ય વિભાગના સ્ટાફના કારણે આજે મારા છોકરાનું ઓપરેશન વિનામૂલ્યે થયું છે. સરકારની આ યોજના માટે આભાર વ્યક્ત કરું છું.
અન્ન યોજનાના લાભાર્થી સંગીતાબેન પટેલે જણાવ્યું કે, વિનામૂલ્યે દર મહિને અનાજ મળે છે માટે મારુ ગુજરાન સારી રીતે ચાલે છે, હું વિધવા છું, તો મને વિધવા સહાય પણ મળે છે, જેના કારણે અમારે ઘરમાં કોઈ તકલીફ પડતી નથી, આમ સરકારની યોજનાઓનો લાભ મળવાથી અને ખાસ કરીને અનાજ મળે છે તેથી મારે કોઈ જ તકલીફ પડતી નથી તેમ જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ પ્રસંગે અંત્યોદય યોજનાના લાભાર્થીએ જણાવ્યું કે, ૩૫ કિલો મફત અનાજ દર મહિને મળે છે અને ઉજ્વલા યોજનાનો પણ લાભ મેળવ્યો છે, ગેસની બોટલ મળવાથી હવે ઘરે મારી પત્નીને ધુમાડો ખાવો પડતો નથી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ, ટી.બી. પોષણ કીટના લાભાર્થીઓને કીટનું વિતરણ, આંગણવાડીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કિશોરી યોજના, સગર્ભા યોજના, વ્હાલી દિકરી યોજના ઉપરાંત ખેતીવાડી ખાતાની યોજનાઓ સોલાર પાવર કીટ યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમયે સામરખા ગામ ખાતે આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ. સ્વનિધિ યોજનાના કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઘર આંગણે સરકારી યોજનાના લાભો મેળવ્યા હતા.
આ તકે ગ્રામજનોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શીવાંગી શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબિસિંહ રાજપૂત, ગામના સરપંચશ્રી ભાવિનભાઇ, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રી સુનીલભાઇ શાહ સહિત લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
*******