અમેરિકા સ્થિત દાતા વિષ્ણુભાઈ પટેલને ‘દાનભાસ્કર એવોર્ડ’ એનાયત
અમેરિકા સ્થિત દાતા વિષ્ણુભાઈ પટેલને ‘દાનભાસ્કર એવોર્ડ’ એનાયત
યશોધરાબેન વિષ્ણુભાઈ પટેલની યાદગીરી સ્વરૂપે ચારુસેટ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરની સ્થાપના કરાશે
ચાંગા
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડથી વધુ રકમનું માતબર દાન આપનાર મૂળ મહેળાવના વતની, હાલમાં USA સ્થિત વિખ્યાત ન્યુ યોર્ક લાઈફના ઈન્સ્યોરન્સ એજન્ટ અને ઉદાર દિલના દાતા શ્રી વિષ્ણુભાઈ વલ્લભભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 16મી ફેબ્રુઆરી, ગુરૂવારે ચારૂસેટ કેમ્પસમાં ‘દાનભાસ્કર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળના–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ઇન્ટરનલ ઓડિટર શ્રી બિપિનભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ શ્રી નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ અને ચંદ્રકાંત પટેલ, CHRFના સહમંત્રી પ્રિ. ધીરૂભાઈ પટેલ, એડવાઇઝર ડો. બી. જી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, વી. એમ. પટેલ, શનુભાઈ પટેલ, સી. એસ. પટેલ, પ્રદીપભાઇ પટેલ, શૈલુભાઈ પટેલ, સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ એન. પટેલ, ડી. સી. પટેલ (સંકેત સેલ્સ), રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ચારૂસેટ હોસ્પિટલના COO ડો. ઉમાબેન પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા વિષ્ણુભાઇ પટેલના USA સ્થિત પુત્ર કાર્ડિયાક સર્જન ડો. પરાગ પટેલ, પુત્રી ફીઝીયોથેરાપિસ્ટ ડો. પલક પટેલ, પ્રદીપભાઇ પટેલ (મહેળાવ), ભાસ્કરભાઈ પટેલ (મહેળાવ), મહેળાવની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ USA/UK થી આવેલા પરિવારજનો ખાસ હાજર રહ્યા હતા.
દાતા પરિવારના યશોધરાબેન વિષ્ણુભાઈ પટેલની યાદગીરી સ્વરૂપે ચારુસેટ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે જે આસપાસના ગામોના દર્દીઓ માટે લાભદાયી થશે.
કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં આમંત્રિતો મહેમાનો અને મહાનુભાવોને આવકાર્યા હતા.
ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારુસેટ, CHRF સંસ્થાની 128 વર્ષ અગાઉ શરૂ થયેલી યાત્રા વિષે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ દાતા શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસનો પરિચય આપતા કહ્યું કે કેમ્પસની પ્રગતિમાં 4 પિલ્લર વિઝનરી મેનેજમેન્ટ, પરોપકારી દાતા, વિદ્યાર્થીઓ અને કાર્યદક્ષ સ્ટાફનો મહત્વનો ફાળો છે.
દાનભાસ્કર એવોર્ડ અને દાતા વિશે શ્રી ધીરૂભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યુ કે શ્રી વિષ્ણુભાઈ પટેલ 1985થી માતૃસંસ્થાની સમૂહલગ્નની પ્રવૃતિમાં ખૂબ સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે. તેમણે પોતે જે કમાયા છે તે સમાજને પરત આપવામાં પાછું વળીને જોયું નથી. ન્યુ યોર્કમાં ગુજરાતી સમાજની સ્થાપનામાં અને ન્યુ યોર્કમાં સમાજ બિલ્ડીંગના નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા છે.
ઉલ્લેખનીય છે કે શ્રી વિષ્ણુભાઈએ ન્યુ યોર્કમાં ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે 1978થી 1984 સુધી સેવા આપી હતી. વિવિધ સંસ્થાઓમાં વિકાસમાં સક્રિય રોલ અદા કર્યો છે. તેઓ ફેડરેશન ઓફ નોર્થ અમેરિકન ગુજરાતી એસોસિએશનના પ્રમુખ હતા જેનો હેતુ નોર્થ અમેરીકામાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાતની સંસ્કૃતિ જાળવવા એકજૂટ કરવાનો છે. ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસિએશનના 2 વર્ષ માટે પ્રમુખ હતા. વૈષ્ણવ ટેમ્પલ ન્યુ યોર્કના મેમ્બર અને ટ્રસ્ટી હતા. તેમણે મહેળાવમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરના નિર્માણમાં 10 બેડ માટે રૂ. 26 લાખનું દાન આપ્યું છે. આનંદી અને સહાયરૂપ સ્વભાવના કારણે તેમણે એર ઈન્ડિયા અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે સંબંધ જાળવ્યા છે.
દાનભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન RPCP કોલેજના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે કર્યું હતું. ડો. એમ.સી. પટેલના હસ્તે શ્રી વિષ્ણુભાઈ પટેલને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું નગીનભાઈ પટેલના હસ્તે દાતા શ્રી વિષ્ણુભાઈ પટેલને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું અને શ્રી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.
આ પ્રસંગે બાંધણી મહેળાવ સંયુક્ત કેળવણી મંડળ, મહેળાવ પીપલ્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, મીતા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટીદાર વાડી મહેળાવ, મહેળાવ સાર્વજનિક લાઈબ્રેરી, મહેળાવ કેળવણી મંડળ, મહેળાવ ગ્રામ પંચાયત, મહેળાવ યુવક મંડળ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા દાતાશ્રીનું બુકે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું CEHT-UKના ડો. અમરિશ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.