1001147942

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી 

છેલ્લા બે દિવસથી કમળાના કેસોમાં સતત ઘટાડો,હાલ ૧૯  દર્દીઓ વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

ધર્મજ ગામના રબારીવાસ અને નવા પુરા વિસ્તારનું પાણી બિન પીવા લાયક જાહેર કરાયું

૨૫ હજાર કરતા વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું

ગ્રામજનોએ પીવાનું પાણી ક્લોરીનેશન યુક્ત અથવા ઉકાળેલું પાણી પીવા અનુરોધ

આણંદ, બુધવાર

પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા ગત દિવસોમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ સંયુક્ત રીતે ધર્મજ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આરોગ્ય વિભાગની ૧૯ જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરી જરૂરી આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ આજે એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. રાજેશ પટેલ સાથે ધર્મજ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ધર્મજ ગામના રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલ પીવાના પાણીના સેમ્પલ નો રિપોર્ટ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી આવતા તે પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં માલુમ પડતા બિન પીવા લાયક છે, તેમ જણાવ્યું છે, તેથી આ વિસ્તારમાં પીવાનું પાણી ક્લોરીનેશન યુક્ત જ આપવા માટે ધર્મજ ગ્રામ પંચાયતને જણાવવામાં આવ્યું છે.

ધર્મજ ગામ ખાતેથી  આજે કમળાના ૦૮ નવા કેસ મળી આવતા અત્યાર સુધીમાં કુલ ૧૧૩ જેટલા કમળાના કેસ મળી આવ્યા છે, આજે મળેલા ૦૮ કેસ પૈકી ૦૪ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે, તેની સામે ગતરોજ દાખલ કરવામાં આવેલ ૦૯ દર્દીઓને રજા આપવામાં આવી છે, અને હાલ ૧૯ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ધર્મજ ગામ ખાતે ૨૫૫૩૯ જેટલી ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

તેમના જણાવ્યા મુજબ કમળાના રોગમાં શરૂઆતમાં સામાન્ય તાવ આવવો, ઉલટી ઉબકા થવા, ભૂખ ન લાગવી, પેશાબ પીળો થવો જેવા લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક તાત્કાલિક કરવો જોઈએ.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પાણીના લીકેજિસ શોધવાની કામગીરી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ટીમને આજે નવા ૦૪ જેટલા લીકેજ મળ્યા છે. આમ કુલ મળેલા પાણીના ૩૭ જેટલા લીકેજીસ માંથી ૩૫ જેટલા લીકેજ દૂરસ્તીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને બાકી રહેલ ૦૨ લીકેજિસ દુરસ્ત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ધર્મજ ગામના લોકોને ઉકાળેલું જ પાણી પીવા માટે જણાવ્યું છે અને શક્ય હોય ત્યાં સુધી ક્લોરીનેશન કરેલું જ પાણી પીવું જોઈએ, ખોરાક તાજો ખાવો જોઈએ, ખુલ્લામાં રાખેલો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ અને વારંવાર હાથને સાબુથી સાફ કરવા જોઈએ તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવા માટે પણ અનુરોધ કર્યો છે. આરોગ્ય વિભાગની સઘન કામગીરીની સાથે પાણીના લીકેજીસ દૂર કરાતા પ્રતિદિન નોંધાતા કમળાના કેસોમાં છેલ્લા બે દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડો.રાજેશ પટેલના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ૧૯ ટીમ રાત દિવસ જોયા વગર ખડે પગે કામ કરી રહી છે. ધર્મજ ગામ ખાતે કોઈપણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો છે.

**