આણંદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોં અને દાંતના રોગની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ
આણંદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોં અને દાંતના રોગની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ
આણંદ ખાતેથી જિલ્લાના દંત ચિકિત્સકની કામગીરી સમીક્ષા કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર
જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન રૂટ કેનાલ પ્રક્રિયાના સાધનો એન્ડોમોટર અને એપેક્ષ લોકેટર ઉપલબ્ધ
આણંદ, મંગળવાર
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપકભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આણંદ જીલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ સાથે ડેન્ટલની કામગીરીની સમીક્ષા અંગે વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ઈ.એમ.ઓ, ડિસ્ટ્રીક હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને ડેન્ટલ સર્જન હાજર રહ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઓરલ (મોં) કેન્સરના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનીંગ (તપાસ) કરી અને શંકાસ્પદ દર્દીને હાયર સેન્ટરમાં રીફર કરવું, તમાકુનું વ્યસન કરતા દર્દીઓને તમાકુનું વ્યસન છોડવા અંગેની સલાહ આપવી, શાળાઓમાં બાળકોને કેવી રીતે મોઢું સાફ રાખવું અને મોંને લગતા રોગો વિશે માર્ગદર્શન આપવું, મોંઢાની તપાસ માટે આવેલ દર્દીને કોઈ અન્ય રોગ ટી.બી., એચ.આઈ.વી. જેવા લક્ષણો માલુમ પડે તો તેને તપાસ માટે મોકલવા ઉપરાંત દર્દીઓને મોંઢાના રોગની જે પણ સારવાર થાય છે તેનાથી વધુ સારી બનાવવા જણાવ્યું હતું.
જનસમુદાયમાં ઓરલ (મોં) ના રોગ વિશે જાણકારી મળી રહે અને જનજાગૃતિ દ્વારા મોં ના રોગ વાળા દર્દીઓ જાગૃત થાય અને મોં અને દાંતની તપાસ, નિદાન અને સારવાર કરાવે અને દાંતના રોગને લગતી સારામાં સારી વિનામુલ્યે સારવાર મેળવી શકે તે માટે જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ અને ડેન્ટલ સર્જનશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાયેલ કામગીરી
આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂટ કેનલ ચોકઠું, દાંત અને દાઢ પડાવી સિમેન્ટ પુરવાની જેવી કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી એપ્રિલ-૨૦૨૩ થી ડિસેમ્બર-૨૦૨૩ દરમિયાન ૨૮ દાંતના ચોખઠાનું વિતરણ, ૩૭૯૮ કાયમી દાંતમાં સિમેન્ટ ભરવાની કામગીરી, ૧૪૬૭ રૂટ કેનાલ સારવાર, ૯૬૩૦ દાંત કાઢવાની કામગીરી અને ૨૧૮૭ દાંતની સફાઈ કરવામાં આવી છે.
મોટાભાગની સુવિધાઓમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન રૂટ કેનાલ પ્રક્રિયાના સાધનો એન્ડોમોટર અને એપેક્ષ લોકેટર ઉપલબ્ધ હોવાનું ડોક્ટર પરમારે જણાવ્યું છે.
*****