આણંદથી ખંભાત વચ્ચે નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને સાંસદશ્રી મિતેશભાઇ પટેલે લીલી ઝંડી આપી કરાવ્યો શુભારંભ
આણંદથી ખંભાત વચ્ચે નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને સાંસદશ્રી મિતેશભાઇ પટેલે લીલી ઝંડી આપી કરાવ્યો શુભારંભ
આણંદ ,
ભારતીય રેલ્વેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ રેલ્વે સ્ટેશન પર આણંદ થી ખંભાતના રૂટ પર નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલને વડોદરા ડિવિઝનના ડી.આર.એમ.શ્રી જિતેન્દ્ર સિંહે ઇલેક્ટ્રીક મેમુ ટ્રેનના એન્જિન તથા કોચની બનાવટ અને સાવચેતીના માપદંડો ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ તથા ટ્રેનમાં ઉપયોગમાં લેવાયેલ આધુનિક ટેકનોલોજી સહિતની તમામ જાણકારી આપી હતી. સાંસદશ્રી અને ધારસભ્યશ્રીએ આ તકે પ્રાસંગિક ઉધ્બોધન કરી, ટ્રેનની બાબતોનું નિરિક્ષણ કરીને, ડી.આર.એમ તથા સાથે હાજર રેલ્વેના અન્ય પદાધિકારીઓ અને રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે આ ટ્રેન સેવા શરૂ થવાને કારણે આણંદથી ખંભાત રૂટ પર બહોળી સંખ્યામાં આવાગમન કરતા લોકો કે જેમાં અનેક વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ વેપારીવર્ગ સહિત અન્ય ઘણા નાગરિકો કે જેઓ રોજિંદુ કે ક્યારેક આણંદ-ખંભાત રૂટ પર મુસાફરી કરે છે તેમને આ ટ્રેનસેવાનો ખૂબ ફાયદો થનાર છે. આણંદ અને ખંભાત વચ્ચે ઈલેક્ટ્રિક લાઇન વિકસાવી શરૂ કરાયેલ મેમુ ટ્રેન સેવાને કારણે પ્રદુષણમુક્ત અને ઝડપી તેમજ આરામદાયક મુસાફરી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, આણંદ-ખંભાત રૂટ પર કુલ બે પેસેન્જર મેમુ ટ્રેન નિયમિત રૂપે દરરોજ પાંચ-પાંચ ફેરા ફરશે જેથી આણંદ અને ખંભાત વચ્ચે પ્રવાસ કરતા દરેક મુસાફરના સમયને બચાવવામાં પણ આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. આ મેમુ ટ્રેનનું આણંદ થી ખંભાત સુધીનું ભાડું ફક્ત રૂ. ૩૫ રાખવામાં આવ્યુ છે જેથી નાગરીકોને મુસાફરી ખર્ચમાં પર પણ રાહત મળશે.
******