IMG-20230317-WA0020

રાહતલાવ ના ખેડૂતે ગલગોટાની ખેતી થકી ચરોતરમાં સુગંધ મહેકાવી

રાહતલાવ ના ખેડૂતે ગલગોટાની ખેતી થકી ચરોતરમાં સુગંધ મહેકાવી 

આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાગાયત વિભાગની છુટા ફૂલ યોજના અંતર્ગત ૨૯૩ ખેડૂતોને રૂ. ૩૦ લાખથી વધુની સહાય ચૂકવાઇ

આલેખન:: જનક ઠેસિયા

આણંદ,
 "મારી ૫૦ ગુંઠા જમીનમાં મેં ગલગોટાની ખેતી કરી હતી પરંતુ આ વર્ષે ફૂલોનો ભાવ બહુ ઓછો મળતા હું થોડો ચિંતામાં હતો અને આવા કપરા સમયે સરકારના બાગાયત વિભાગની છૂટા ફૂલો માટેની યોજના મારી વ્હારે આવી હોય એમ મને આ યોજના અંતર્ગત સરકાર તરફથી રૂ.૧૨૪૮૦ ની સહાય મળતા મને ઘણી રાહત થઈ હતી" આ શબ્દો છે આણંદ તાલુકાના રાહતલાવ ગામના ધરતીપુત્ર માનાભાઈ રોહિતના.

આણંદ તાલુકાના રાહતલાવ ગામના ધરતીપુત્ર માનાભાઈ રોહિત તેમની ૫૦ ગુંઠા જમીનમાં છેલ્લા ૨૨ વર્ષથી પપૈયા, ટામેટા, તુવેર, તમાકુ વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગલગોટાની ખેતી પણ કરે છે.

ગલગોટાની ખેતી વિશે વાત કરતા માનાભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી ગલગોટાની ખેતી કરું છું, ગલગોટાના પાકને ઠંડુ વાતાવરણ જરૂરી હોવાથી ચોમાસા અને શિયાળા દરમિયાન ગલગોટાની તેમજ ઉનાળામાં બાજરીની ખેતી કરું છું. મેં ગયા ઓગસ્ટ મહિનામાં ગલગોટાની ખેતી કરી હતી, જેમાંથી મને ડિસેમ્બર-જાન્યુઆરીમાં અંદાજે ૧૫,૦૦૦ કિલો ગલગોટાનું ઉત્પાદન મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન આણંદમાં ખાસ કરીને એન.આર.આઇ. લોકોના લગ્ન હોય છે જેમાં ફૂલોની સારી એવી માંગ હોય છે. પરંતુ આ વર્ષે ફૂલોનો પૂરતો ભાવ ના મળવાને કારણે હું ચિંતામાં હતો. કારણ કે ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું. પરંતુ સરકારના બાગાયત વિભાગની છૂટા ફૂલો માટેની યોજના અંતર્ગત રૂ.૧૨૪૮૦ ની સહાય મળતા ઘણી રાહત થઈ હતી. 

ફૂલોની ખેતી અને વેચાણ અંગે માનાભાઈએ જણાવ્યું હતું કે, ફૂલોની ખેતી એ ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, ફૂલોના વેચાણમાં પણ તકલીફ પડતી નથી કારણ કે, વેપારીઓ સીધા ખેતર પરથી જ ફૂલોની ખરીદી કરીને લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી.

યોજનાના લાભ વિશે વાત કરતા માનાભાઈએ જણાવ્યું હતું કે, મારા એક મિત્ર થકી બાગાયત વિભાગની આ યોજના અંગે જાણકારી મળતા મેં બાગાયત વિભાગની કચેરીએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી, ત્યારબાદ મને કેન્દ્ર સરકાર તરફથી રૂ.૭,૬૮૦ અને રાજ્ય સરકાર તરફથી રૂ.૪,૮૦૦ મળી કુલ રૂ.૧૨,૪૮૦ ની સહાય મળેલ છે. આ સહાય માટે કચેરીનો પણ પૂરતો સહકાર મળ્યો હતો. આ સહાય મળતા મને ખરેખર ખુબ રાહત થઈ હતી. જેના માટે હું સરકારનો ખૂબ આભાર માનું છું. આ યોજના ઉપરાંત મને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ વાર રૂ. ૨૦૦૦ ના હપ્તા મળે છે, જેના થકી મને પાક વાવણી સમયે ખુબ ફાયદો થઈ રહ્યો છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને અત્યાર સુધીમાં બાર હપ્તા મળ્યા છે. આ બધી સહાય આપવા બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું અને હું એટલું જ કહીશ કે સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મુકીને સીધી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. 

નોંધનીય છે કે, બાગાયત વિભાગની છૂટા ફૂલોની ખેતી માટેની યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૨૧ ખેડૂતોને રૂ. ૧૦.૨૭ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૭૨ ખેડૂતોને રૂ. ૨૦.૦૬ લાખ મળી છેલ્લા બે વર્ષમાં ૨૯૩ ખેડુતોને કુલ રૂ ૩૦.૩૩ લાખની સહાય ચૂકવાઇ છે. જે પૈકી અનુસૂચિત જાતિના બે ખેડૂતોને રૂ. ૨૫,૪૮૦ની સહાય ચૂકવાઇ છે. સરકારના બાગાયત વિભાગની છૂટા ફૂલોની ખેતી માટેની યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા હેક્ટર દીઠ વાવેતરના ખર્ચના ૪૦ % મહત્તમ રૂ.૧૬,૦૦૦ ની  મર્યાદામાં તેમજ રાજ્ય સરકાર દ્વારા વાવેતરના ખર્ચના ૨૫ ટકા રકમ સહાય પેટે આપવામાં આવે છે. 
*****