ખંભોળજનું સુપ્રસિધ્ધ ચેહર ધામ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત એન. આર. આઈ માઈ ભક્તો માટે શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે
કેસુડાના વૃક્ષમાંથી પ્રગટીને વરખડીમાં વિલિન થયેલા દેવી એટલે માં ચેહર ભવાની
ખંભોળજનું સુપ્રસિધ્ધ ચેહર ધામ આજે મધ્ય દક્ષિણ ગુજરાત સહિત એન. આર. આઈ માઈ ભક્તો માટે શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષને પૂજનીય ગણવામાં આવ્યા છે અને છોડમાં રણછોડની ઉમદા ભાવના રાખવામાં આવી છે
વૃક્ષો એ જંગલનો આત્મા છે અને તેના વગર જંગલ ના અસ્તિત્વની કલ્પના અશક્ય છે
આણંદ
હિન્દી ફિલ્મોમાં કુંભના મેળામાં ભાઈઓ છૂટા પડી જાય અને પછી અનેક ઘટનાઓની હારમાળા ને અંતે મળે એવી કથાઓ સફળ નીવડી છે.શહેર અને ગામોમાં ઉછરેલા વૃક્ષો પણ જાણે કે જંગલની વનરાજી થી વિખૂટા પડેલા ભાઈઓ છે.એટલે પ્રત્યેક વૃક્ષ એ હર્યાભર્યા વિશાળ જંગલની સંભાવનાનો એક આત્મીય અંશ છે.
યુગોથી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને વૃક્ષોમાં દેવત્વનું આરોપણ કરવામાં આવ્યું છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે ,' વૃક્ષોમાં હું પીપળો છું '.અને એટલે જ વારે તહેવાર વૃક્ષ પૂજનની પરંપરા સ્થાપિત થઈ છે.૨૧ મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો આશય જ પરમ હિતકારી સંત જેવા વૃક્ષોને ઉછેરવા અને સાચવવાની સાર્વત્રિક જાગૃતિ કેળવવાનો છે.વૃક્ષો સચવાશે તો જ ધરતી રહેવા જેવી રહેશે અને જીવન જળવાશે.
જેમ માતા સીતા ભૂમિમાંથી પ્રગટ્યા અને ધરતીની ગોદમાં સમાઈ ગયા એવી જ રીતે ચેહર ભવાની માતાનું પ્રાગટ્ય અને વિલય વૃક્ષ સાથે જોડાયેલું છે.
આસ્થા પ્રમાણે ચેહર માં કેસુડાના ઝાડમાંથી વસંત પંચમી ના પાવન દિવસે પ્રગટ્યા હતા. થરા પાસેનું તેરવાડા એમનું પ્રાગટ્ય ધામ છે.તેઓ કેસુડા તળે એક દેવાંશી કન્યા રૂપે રમતાં હતાં ત્યારે આ ગામના રાઠોડ શિકાર માટે વગડામાં ઘૂમી રહ્યાં હતા.તેમની નજર આ દિવ્ય અને ઓજસ્વી બાળા પર પડી અને દેવનો કૃપા પ્રસાદ ગણી એમને પુત્રી તરીકે અપનાવ્યા.
કેસુડા તળે થી મળ્યા એટલે એમનું નામ કેસરબાઈ રાખ્યું જે કાળક્રમે લોકબોલીમાં ચેહર થયું.
એ જ રીતે ધરતી પરની લીલા પૂરી કરી તેઓ મરતોલી ગામે હરિયાળી અને લીલીછમ્મ વરખડી (એક વૃક્ષ પ્રજાતિ)માં ફૂલનો દડો બનીને સમાઈ ગયા.આજે આ મરતોલી ગામ મહિમાવંત ચેહર ધામ બન્યું છે અને જેમાં માતાજી વિલિન થઈ ગયા એ વરખડી વૃક્ષ આજે પણ લીલુંછમ્મ છે અને લોક શ્રધ્ધાનું પ્રતિક છે.
દુઃખો, કષ્ટ અને વેદનાઓનું શમન કરતા ચેહર ભવાનીને સુખડી અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે.મનોકામના પૂરી કરનારા દેવી તરીકેનો તેમનો મહિમા છે.
મરતોલી પછી વિવિધ ગામોમાં શ્રધ્ધાળુઓએ ચેહર શક્તિ પીઠોની સ્થાપના કરી છે. આણંદ જિલ્લાના ખંભોળજ ગામે સ્વ.શ્રી પ્રભાતભાઈ રબારીએ ચેહર ધામની સ્થાપના કરી જે આજે મધ્ય અને છેક દક્ષિણ ગુજરાત સુધીના માઈ ભક્તો માટે શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે.આ જિલ્લો વિદેશોમાં વસતા બિન નિવાસી ભારતીયોનો ગઢ છે.અને પ્રસંગોપાત વતનમાં આવતા આ બિન નિવાસી ભારતીયો પણ ચેહર માતાજીમાં ભારે આસ્થા ધરાવે છે.
અહીં દર રવિવાર, મંગળવારે અને ગુરુવારે ભક્તો માં ચેહરના દરબારમાં હાજરી પુરાવવા આવે છે અને વર્તમાન ગાદીપતિ ભુવાજી નાગજી રબારી પાસે પોતાના દુઃખ દર્દો અને સમસ્યાઓનું સમાધાન મેળવે છે.રવિવારે ભક્તોને ખૂબ સ્નેહથી પ્રસાદી પિરસવામાં આવે છે.
આ ધામ શિક્ષણ પ્રોત્સાહક અને સમાજનું ઘડતર કરનારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે.વસંત પંચમીએ ખૂબ ધામધૂમથી માં નો પાટોત્સવ - પ્રાગટ્ય દિવસ હજારો ભક્તોની ભીડ વચ્ચે ઉજવવામાં આવે છે. નવરાત્રી,દશેરા સહિત વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે અને યજ્ઞો થાય છે.
એવી જ રીતે ઉમરાનું વૃક્ષ ભગવાન દત્ત સ્વરૂપ ગણાય છે. વટ વૃક્ષના પૂજનની પરંપરા છે અને સૌભાગ્ય રક્ષા માટે મહિલાઓ વટ સાવિત્રીના દિવસે આ વૃક્ષની પૂજા કરે છે.પીપળાનું પણ પૂજન થાય છે.આદિવાસી સમાજમાં મહુડા ને દેવ વૃક્ષ ગણવામાં આવે છે અને ઉત્સવોમાં ડાળું રોપવાનો આગવો મહિમા છે. જંગલ ડુંગરની પૂજા કરવામાં આવે છે.પાંડવોએ શમીના વૃક્ષનું પૂજન કર્યું હતું અને અજ્ઞાત વાસના બાર વર્ષ દરમિયાન એમના દિવ્ય શસ્ત્રો શમી વૃક્ષે સાચવ્યા હતા.
બિલિપત્ર વગર શિવ પૂજન અધૂરું છે અને સત્ય નારાયણની કથામાં કેળના પાંદડા જોઈએ જ. કદંબનું વૃક્ષ વાંસળી વગાડતા કનૈયા અને રાધાજીની રાસલીલાનું સાક્ષી છે.કેવડો અને વિવિધ વનસ્પતિના પર્ણો વગર કેવડા ત્રીજની પૂંજા ફિક્કી લાગે.બજરંગ બલીને આકડો ચઢે અને બધા દેવ દેવી નારિયળ ધરવાથી પ્રસન્ન થાય.આમ,વૃક્ષો અને વનસ્પતિ ભક્તિ ભાવ સાથે જોડાયેલા છે.
વૃક્ષો ભારતીય સંસ્કૃતિના શ્રધ્ધા કેન્દ્રો છે.વૃક્ષ સંપદા અને વનોને સાચવવા એ દેવ ભક્તિ સમાન કામ છે.વિશ્વ વન દિવસ એ દેવતા સ્વરૂપ વૃક્ષો,જંગલો અને હરિયાળીને અને તેના માધ્યમથી પ્રકૃતિને પુનઃ સમર્પિત થવાનો દિવસ છે.