સારસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરીનો રેશિયો ૭૫ ટકાથી પણ વધુ થયો
સારસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરીનો રેશિયો ૭૫ ટકાથી પણ વધુ થયો
૭ મહિનામાં ૧૩૭૬ સલામત પ્રસુતિ અને ૧ હજારથી વધુ નોર્મલ પ્રસુતિ થઈ
આરોગ્ય કેન્દ્રો વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર થકી સરકારની ‘‘સર્વે ભવન્તુ સુખીના, સર્વે સન્તુ નિરામયા:’’ ની વિભાવનાને સાચા અર્થમાં સાકાર
આણંદ ટુડે I આણંદ,
તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત રાજ્યના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્ય સેવાઓનું સુદ્રઢીકરણ થયું છે. જનજનને આરોગ્ય સુવિધાઓ સરળતાથી અને સુગમતાથી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના વડપણ હેઠળ રાજ્યમાં કાર્યરત પ્રાથમિક - સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ નાગરિકોને સર્વશ્રેષ્ઠ સેવાઓ મળી રહી છે, જ્યાં આરોગ્યલક્ષી સેવાઓ સાથે ‘સલામત પ્રસુતિ’ના સૂત્રને કેન્દ્રમાં રાખવામાં આવે છે.
પ્રસુતિ દરમિયાન માતા કે નવજાત શિશુનું અકાળે મૃત્યુ ના થાય અથવા તો પ્રસૂતિ પીડા વધારે ના વેઠવી પડે તે માટે રાજ્યભરમાં સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વ્યાપ વધાર્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં અદ્યતન સુવિધાવાળી કે મોટી હોસ્પિટલની સગવડ નથી, ત્યાં કાર્યરત સરકારી આરોગ્ય કેન્દ્રો વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર થકી સરકારની ‘‘સર્વે ભવન્તુ સુખીના, સર્વે સન્તુ નિરામયા:’’ ની વિભાવનાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.
ગુજરાતના ખૂણે ખૂણે કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્રોની આવી અનેક સાફલ્યગાથાઓ મળી આવે, પરંતુ આજે વાત કરવી છે આણંદ જિલ્લાના સારસા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની.
સારસા સી.એચ.સી. ખાતે સુપ્રીટેન્ડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડૉ. વિન્સેન્ટ ક્રિશ્ચિયન જણાવે છે કે સારસા અને આસપાસના આઠ ગામોમાં વસતા લોકોને સી.એચ.સી. દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
સારસાના આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માતા અને બાળ મૃત્યુ દર અટકે અને સલામત પ્રસુતિ થાય તેવા શુભ આશય સાથે એપ્રિલ-૨૦૨૩ થી ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન એટલે કે ૭ મહિનામાં તબીબો દ્વારા કુલ ૧૩૭૬ સલામત પ્રસુતિ કરવામાં આવી છે, જેમાંથી ૧૦૩૦ પ્રસુતિ તો એકદમ નોર્મલ થઈ છે. એટલે કે નોર્મલ ડિલિવરીનો રેશિયો ૭૫ ટકાથી પણ વધારે થયો, જે મોટી વાત છે. આ આરોગ્ય કેન્દ્રમાં મહિનાવાર સલામત પ્રસુતિની વાત કરવામાં આવે તો, એપ્રિલમાં ૧૪૪, મે મહિનામાં ૧૬૮, જૂનમાં ૧૭૮, જુલાઈમાં ૧૭૪, ઓગસ્ટમાં ૨૫૬, સપ્ટેમ્બરમાં ૨૧૫, ઓક્ટોબરમાં ૨૪૧ સલામત પ્રસૂતિ અહીં થઈ છે. જયારે નવેમ્બર માસ દરમિયાન અત્યાર સુધીમાં ૮૯ પ્રસુતિ કરવામાં આવી ચૂકી છે તેમ ડોક્ટર વિનસેન્ટે જણાવ્યું છે.
ખાનગી હોસ્પિટલોની અતિ ખર્ચાળ નોર્મલ ડિલિવરીની પ્રક્રિયા વચ્ચે સારસા સી.એચ.સી.ની શ્રેષ્ઠ કામગીરીના સફળ પરિણામો રાજ્યની સુદ્રઢ જાહેર આરોગ્ય સેવાઓની સાક્ષી પૂરે છે. સલામત પ્રસુતિ ક્ષેત્રે સારસા સી.એચ.સી.ના સફળ પરિણામો પાછળ સુપ્રિન્ટેન્ડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. વિન્સન્ટ ક્રિશ્ચિયન, ડૉ. પ્રતિમા કરમાકર, ડૉ. ઉર્જાસ્વી સહિત નર્સ તેમજ આરોગ્ય કર્મીઓની મહત્વની ભૂમિકા રહી છે.
સારસા સી.એચ.સી. દ્વારા એપ્રિલ-૨૦૨૩ થી ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન ઓપીડીમાં કુલ ૩૪,૬૪૩ લોકોને અને ૯,૧૯૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી છે.
ગુજરાતની હેલ્થ કેર સિસ્ટમમાં સર્વગ્રાહી અભિગમ અપનાવીને રાજ્યમાં છેલ્લા વર્ષોમાં આરોગ્યક્ષેત્રે અનેકવિધ યોજનાઓ થકી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સિવિલ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ અને સેવાઓને ઉત્તરોઉત્તર શ્રેષ્ઠ બનાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને દુર-સુદૂર, અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરી છે.
****************