IMG-20231129-WA0034

આણંદ જિલ્લામાં આવતીકાલ ૩૦મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

આણંદ જિલ્લામાં આવતીકાલ ૩૦મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકારની લોકોપયોગી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડાશે-- કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જાણકારી અર્થે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ

આણંદ,

 સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તેવા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાણકારી અર્થે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડની ઉપસ્થિતિમાં આણંદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. 

આ પરિષદ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ભાગવત કરાડ એ જણાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૫ મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં યાત્રાનો શુભારંભ થયો છે. આણંદ જિલ્લામાં પણ  તા.૩૦ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે. આ યાત્રાનાં માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વિકસિત બનાવવાની સાથે છેવાડાના અને ગરીબ વર્ગના વ્યક્તિઓનો વિકાસ કરવાનો છે. આ વિકાસ યાત્રામાં ગામે ગામ ફરીને પ્રત્યેક નાગરિકો સુધી સરકારની દરેક યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાની સાથે આ સંકલ્પ યાત્રામાં જન સામાન્યને સહભાગી બનાવવાનો પણ એક હેતુ છે. 

તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રથના માધ્યમથી પ્રત્યેક ગામ સુધી પહોંચી ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરાવવામાં આવશે. એટલું જ નહિ પરંતુ આ યાત્રા દરમિયાન જન જન સુધી સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓની માહિતી પહોંચાડીને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. 

મંત્રીશ્રીએ વિકાસના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ આ સંકલ્પ યાત્રાની જાગરૂકતા વધારવા અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની ગાથા વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો આ યાત્રામાં સહભાગી બની શકે અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લે તે માટે આણંદ જિલ્લામાં સંકલ્પ યાત્રાના માધ્યમથી  જેવી રીતે સ્વતંત્રતા માટે એક મોટું જન આંદોલન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે વડાપ્રધાનશ્રીએ દેશમાંથી ગરીબી દૂર કરી વિકાસને જન જન સુધી પહોંચાડી શકાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને એક જન આંદોલન બનાવવાનું આહવાન કર્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના અને અગ્રણીશ્રી રાજેશભાઈ પટેલ જોડાયાં હતા.

*********