વતનની માટીની મહેંક સાથે ૧૮મા ધર્મજ ડે ની ઉજવણી કરાશે.
વતનની માટીની મહેંક સાથે ૧૮મા "ધર્મજ ડે" ની ઉજવણી કરાશે.
બ્રાઉન કલરની થીમ સાથે સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે ૧૨મી જાન્યુઆરીના રોજ ધર્મજ ડે ની ઉજવણી સંપન્ન થશે.
આ વર્ષે ધર્મજ જ્યોત સન્માન અમેરિકા સ્થિત શ્રી મદનભાઈ પટેલ તથા શ્રી સંદીપભાઈ પટેલ અને ધર્મજ જ્યોતિ સન્માન માટે ધર્મજના દીકરી અને મુંબઈ સ્થિત સુશ્રી કેયુરીબેન પટેલની પસંદગી
આણંદ ટુડે I ધર્મજ
સાધન સંપન્ન અને સમૃદ્ધ ગણાતા ચરોતર પ્રદેશની વર્તમાન સમસ્યા એટલે ગામે ગામથી ખુબ મોટી સંખ્યામાં યુવાધનનું થઈ રહેલ વિદેશગમન. આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સના સહારે જીવવા ટેવાયેલી આજની પેઢીને “જનરેશન ઝેડ” તરીકે ઓળખ મળી છે. આ પેઢી ખુબ સાહસિક છે, નવા વિચારો ધરાવે છે અને સમાજ તથા દેશ માટે કઇંક ઉત્કૃષ્ઠ કરવાની તમન્ના પણ ધરાવે છે. આ પેઢી દુનિયાભરમાં ફેલાઈને ભારતનો ડંકો વગાડે તેમાં કશું ખોટું પણ નથી. બીજું કે નવું કરવાની ધગશ સાથે તેમને પોતાની કારકિર્દી ઘડવાની પણ ચિંતા હોય છે. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા બની છે. તેથી દેશમાં પણ વિપુલ તકો ઉભી થઈ છે. ત્યારે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત યૌવન દેશ અને દુનિયામાં તકો શોધે તે સ્વાભાવિક છે. જેના માટે વતનથી દૂર પણ જવું પડે છે. સમયના આ વહેણને રોકી પણ શકાતું નથી. પરંતુ વ્યક્તિ વૈશ્વિક બનવા સાથે પોતાના મૂળ સાથે જોડાયેલો રહે તે પણ અતિ આવશ્યક છે. જેના માટે ધર્મજ ગામ છેલ્લા ૧૮ વર્ષથી પ્રયત્નશીલ છે. સતત ૧૮ વર્ષથી છ ગામ પાટીદાર સમાજ, ધર્મજ તથા તેના ટ્રસ્ટ ધરોહર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે ૧૨મી જાન્યુઆરીના રોજ નિયમિતપણે આ ઉજવણી થાય છે.
આગામી ૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ યોજવા જઇ રહેલ “૧૮મા ધર્મજ ડે” ઉજવણી અંગે માહિતી આપતા ટીમ ધર્મજના કાર્યકર રાજેશ પટેલે (ધર્મજ) જણાવેલ કે ગત વર્ષે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત"ના એક એપિસોડમાં દેશવાસીઓને સુચન કરેલ કે દરેક ગામે દર વર્ષે પોતાના ગામનો દિવસ ઉજવવો જોઈએ. ત્યારે દરેક ધર્મજીયનને એ વાતનું ચોક્કસ ગૌરવ થાય કે આ કામ ધર્મજ છેલ્લા ૧૮ વર્ષથી સતત કરતુ આવ્યું છે.
“૧૮ મો ધર્મજ ડે” વતનની માટીના રંગ એટલે કે બ્રાઉન કલરની થીમ સાથે ઉજવાશે. પ્રસંગની થીમ લાઈનના શબ્દો છે “ ચાલો આપણા મૂળને શોધીએ” કાર્યક્રમના મુખ્ય વક્તા નિવૃત્ત સનદી અધિકારી અને લેખક તથા ચિંતક શ્રી ભાગ્યેશભાઈ જહાં આ વિષયને સાંકળીને વ્યક્તવ્ય આપશે. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીજી શોભાવશે. આ વર્ષે ધર્મજ જ્યોત સન્માન માટે અમેરિકા સ્થિત શ્રી મદનભાઈ પટેલ તથા શ્રી સંદીપભાઈ પટેલ અને ધર્મજ જ્યોતિ સન્માન માટે ધર્મજના દીકરી અને મુંબઈ સ્થિત સુશ્રી કેયુરીબેન પટેલની પસંદગી થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મદનભાઈએ ૭૨ વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂર્ણ કરેલ તથા હાલ ૭૫ વર્ષ વટાવી ગયા પછી પણ ટ્રેકિંગમાં નિયમિત ભાગ લે છે. શ્રી સંદીપભાઈ પટેલ અમેરિકામાં રાઈટ્સવિલે કાઉન્ટી કે જ્યાં મોટા ભાગના અમેરિકન લોકો રહે છે ત્યાં કાઉન્સિલમેન તરીકે બિન હરીફ વરણી પામ્યા છે. સુશ્રી કેયુરીબેન પટેલ મુંબઈમાં શિક્ષક અને આચાર્ય હોવા સાથે કરાટેમાં ફિફ્થ ડીગ્રી બ્લેક બેલ્ટ ધરાવે છે. જેઓ અનેકવિધ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. ધર્મજ ગામના વતની તથા ટીમ ધર્મજના સક્રિય સભ્ય શ્રીમતિ મીનાબેન અશોકભાઈ પટેલની નિયુક્તિ છ ગામ પાટીદાર મંડળ, અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રમુખ પડે નિયુક્ત થવા બદલ સમાજ વતી સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવશે.
આ વર્ષે ગામમાં ઘણા લગ્નો હોઈ વિદેશથી મોટી સંખ્યામાં ધર્મજીયનો પધાર્યા છે. જેઓ સૌ આ પ્રસંગે હાજરી આપી વતનપ્રેમની ઝાંખી કરાવશે. સન્માન સમારંભ પછી પ્રીતિભોજન માણી સૌ નાટક મણશે. આ વર્ષે મુંબઈનુ પ્રખ્યાત મનોરંજક ગુજરાતી નાટક “આજે
રોકડાને ઉધાર કાલે" બતાવવામાં આવશે. કાર્યક્રમ સ્થળ શ્રી જલારામ તીર્થ ધર્મજ ખાતે ૨૦ સ્ટોલ અને વિશાળ મંડપ સાથે પ્રસંગની તૈયારીઓને આખરી સ્વરૂપ અપાઈ રહ્યું છે. ત્યારે લાગી રહ્યું છે કે સાચા અર્થમાં ધર્મજીયનો ગામમાં આવી “મેરી માટી મેરા દેશ” સુત્રને સાર્થક કરી પોતાની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.