IMG_20240106_182805

ચારૂસેટ યુનિવર્સિટીનો ૧૩ મો પદવીદાન સમારોહ યોજાયો

ઉદ્યોગ સાહસિકતા અપનાવીને જોબ ગીવર બનવાનો અનુરોધ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન

ચારૂસેટ યુનિવર્સિટીનો ૧૩ મો પદવીદાન સમારોહ યોજાયો

૨૭૨૮ વિદ્યાર્થીઓને ડિગ્રી - ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરાયા

આણંદ ટુડે I આણંદ
આણંદ જિલ્લામાં આવેલ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) નો ૧૩ મો પદવીદાન સમારોહ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, માત્ર ૧૩ વર્ષના સમયગાળામાં નેકની રેંકિંગમાં A+ મેળવવા બદલ હું ચારૂસેટ યુનિવર્સિટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ચારૂસેટ યુનિવર્સિટીના ૧૩માં પદવીદાન સમારોહમાં મને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યોએ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત પદવી પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓને અને યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.
    
    વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચારૂસેટ યુનિવર્સિટીના આજના સમારોહમાં ૨૩ ગોલ્ડ મેડલ છોકરીઓએ મેળવ્યા છે જે ખરેખર દેશના દરેક ક્ષેત્રમાં વધી રહેલા મહિલાઓના યોગદાન અને શ્રેષ્ઠ પ્રદર્શનને દર્શાવે છે. આ પરિણામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલી મહિલા સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણની કામગીરીને લીધે શક્ય બન્યું છે. 

 મંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં સામેલ થાય તે ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે ત્યારે આપણે સૌ પણ તેમાં પોતાની પરસ્પર સહભાગીદારીતા નોંધાવીને દેશ પ્રત્યેની પોતાની ફરજોનું પાલન કરીએ તો વિકસિત ભારતનો સંકલ્પ ઝડપથી પૂર્ણ થઈ શકશે. 

મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, નિર્ણયો અને પાસ કરવામાં આવેલા અધિનિયમ - બિલો વિશે તથા ડિજિટલાઇઝેશન, યુપીઆઇ ટ્રાન્જેક્શન, સેમી કંડકટર નિર્માણમાં ભારતે સાધેલા વિકાસની માહિતી આપીને વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતા અપનાવીને જોબ ટેકર બનવા કરતા જોબ ગીવર બનવા પર ધ્યાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. 

મંત્રીશ્રીએ માતૃભાષાના ઉપયોગ પર અને માતૃભાષામાં આપવામાં આવેલા શિક્ષણ અને કેળવણીની સમજણનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં હંમેશા રહે છે તેમ જણાવીને ગ્લોબલ નેતૃત્વને સમજવા માટે અન્ય ભાષા શીખવી જરૂરી છે પરંતુ માતૃભાષાની અંદર કરેલું શિક્ષણ અને અભ્યાસ વ્યક્તિને નેતૃત્વ કરવામાં સક્ષમ બનાવે છે તેમ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને માત્ર સ્વવિકાસ નહિ પરંતુ સમાજ અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ચારૂસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગ્લોબલ લીડર બનશે ત્યારે દેશના હિતમાં કાર્ય કરશે અને ઘર સમાજ રાષ્ટ્ર સૌને ગર્વ થાય તે રીતે સતત પોતાની જવાબદારીઓ નિભાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

આ પદવીદાન સમારોહમાં કુલ ૨૭૨૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૪ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા  જેમાં ૨૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થયો છે. જ્યારે કુલ ૪૪ તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થઇ હતી.     

યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૧૫૮, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ૩૨૩, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના ૩૦૪, ફેકલ્ટી ઓફ  સાયન્સના ૨૯૭, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ ૫૧૬, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના ૧૧૩૦ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૪ ડિપ્લોમા, ૬૨૮ પોસ્ટ ગ્રેજયુએટ, ૨૦૨૧ અંડર ગ્રેજયુએટ અને ૪૪ પી. એચ. ડી. વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.   

કાર્યક્રમની શરૂઆતમાં પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું અને અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  

દિક્ષાંત પ્રવચન બાદ મુખ્ય મંચ પરથી જ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ડિગ્રી અને ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મુખ્ય મહેમાનશ્રી ધર્મેન્દ્ર પ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું

આ પ્રસંગે ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ સહિત મોટી સંખામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
******