surya-namaskar-yoga

આણંદ જિલ્લામાં આગામી સમયમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

આણંદ જિલ્લામાં આગામી સમયમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે 

તા. ૩ ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી કરી શકાશે

આગામી તા. ૦૬ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાના ગરબાનું આયોજન

મુખ્ય સચિવ શ્રી રાજકુમારના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ

આણંદ ટુડે I આણંદ, 
યોગ ના મહત્વને ઉજાગર કરવા અને યોગ ને વિશ્વસ્તરીય ઓળખ અપાવવાના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્યકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધીની રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મુખ્ય સચિવશ્રી રાજકુમારના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં તમામ જિલ્લાના કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓની સાથે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રુબીસિંહ રાજપૂત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ  જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગર પાલિકા અને રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરીને કાર્યક્રમના સુચાર આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત મુખ્ય સચિવશ્રીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, રેકર્ડ રૂમની સાફ-સફાઈ, જાળવણી, ડેડ સ્ટોકનો નિકાલ, કંડમ વાહનોનો નિકાલ, ફાઈલોનું ડિજિટલાઈઝેશન અને ડિસ્પોઝલ તથા કચેરીઓના બિનવપરાશી સામાનને દૂર કરવા સૂચનાઓ આપીને રાજ્યભરમાં યોજાઈ રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા કરી હતી.

આ તકે મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. ૬ ડિસેમ્બરના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા કક્ષાના ગરબાનું આયોજન કરવામાં આવનાર છે.

આ વિડીયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને સૂર્યનમસ્કાર સ્પર્ધા, કચેરીઓની સફાઈ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને જિલ્લા કક્ષાના ગરબાની ઉજવણી અર્થે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રુબીસિંહ રાજપૂત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*******