બોરસદ અને આંકલાવ તાલુકામાં પૂરના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ
બોરસદ અને આંકલાવ તાલુકામાં પૂરના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ
બોરસદ અને આંકલાવ તાલુકામાં સર્વે માટે ૨૦ ટીમો કાર્યરત
સર્વે બાદ સરકારના ધારાધોરણો મુજબ અસરગ્રસ્તોને સહાય ચુકવવામાં આવશે
આણંદ, બુધવાર -
જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ બોરસદ અને આંકલાવ તાલુકાના ગામોમાં પૂરના કારણે કાચા, પાકા મકાન, ઝુંપડાઓ, ખેડૂતોના પાક નુકસાનીના સર્વેની કામગીરી બોરસદ અને આંકલાવ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આંકલાવ તાલુકાના ગંભીરા, બામણગામ, ચમારા, સંખ્યાડ, આમરોલ અને કહાનવાડી ગામો ખાતે ગત દિવસોમાં પૂરના પાણીના કારણે કાચા મકાન, પાકા મકાન, ઝુપડા અને ઘરવખરીનું જે કંઈ નુકસાન થયું છે તેની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આંકલાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આંકલાવ તાલુકામાં નુકસાનીના સર્વે માટે ૧૨ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીનીમાં તલાટી કમ મંત્રીશ્રી,પંચાયત કચેરી કર્મીઓ અને એન્જિનિયરને સાથે રાખીને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે બાદ સરકારના ધારાધોરણો મુજબ અસરગ્રસ્તોને સહાય ચુકવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુઓને નિશુલ્ક ધોરણે ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
બોરસદ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડો. રિપલ બેન ચૌધરીએ જણાવ્યું હતું કે મહિકાંઠાના સારોલ, ગાજણા, કોઠીયાખાડ,નાની શેરડી, દહેવાણ, કંકાપુરા, વાલવોડ અને બદલપુર ગામોમાં પૂરના પાણી ઘૂસી આવ્યા હતા, જેના કારણે નુકસાની થવાની શક્યતા વધી જાય છે, આવા ગામો ખાતે સર્વેની કામગીરી કરવા માટે આઠ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રભાવિત થયેલ તમામ ગામો ખાતે તલાટી કમ મંત્રીશ્રી, વિસ્તરણ અધિકારી અને એન્જિનિયરની ટીમો બનાવીને નુકસાની સર્વે શરૂ કરવામાં આવ્યો છે જે કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
આમ બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે થયેલ નુકસાનીના સર્વે માટે ૨૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
*******