IMG-20240721-WA0017

ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં

BAPS સંસ્થાના ગાદીસ્થાન તીર્થધામ બોચાસણ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી

ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં 

BAPS સંસ્થાના ગાદીસ્થાન તીર્થધામ બોચાસણ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી

‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન.’ – પ.પૂ.મહંતસ્વામી મહારાજ

દેશ અને વિદેશના ૬૦,૦૦૦થી વધુ હરિભક્તોએ ગુરુપૂર્ણિમાની સભાનો લાભ લીધો

આણંદ ટુડે | આણંદ

અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બોચાસણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ તા.૨૧ જુલાઇ ૨૦૨૪ રવિવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારે પ.પૂ.મહંતસ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુશિખરોમાં ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી. 

આજના પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર દેશ-વિદેશના હરિભક્તો અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. સવારે ૮:૩૦ વાગ્યે મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં નિર્ધારિત સમય અનુસાર ધૂન-પ્રાર્થના-સ્તુતિ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની સભાની શરૂઆત થઈ હતી. મહાન પુરુષો સાચા ગુણાતીત ગુરુની ઓળખાણ માટે ત્રણ મુદ્દા સમજાવે છે. (૧) ગુરુના ગુરુનું વર્તન ૨) ગુરુનું પોતાનું વર્તન અને (૩) વર્તમાન ગુરુના સંગ થકી જે થયા હોય તેને જાણવા. આ ત્રણ રીતે ગુરુની તપાસ કરીને પછી ગુરુ કરવા જોઈએ. જે આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવનો મધ્યવર્તી વિચાર હતો. 

પૂજ્ય અનિર્દેશ સ્વામીએ તેઓના વક્તવ્યમાં “ગુરુના ગુરુની ગાથા”  અંતર્ગત જણાવ્યુ હતું કે “આધ્યાત્મિક સાધનામાં ગુણાતીત ગુરુની અનિવાર્યતા છે. જે ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરામાં પ્રગટપણે અનુભવાય છે, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના જીવનમાં સહજ અહંશૂન્યતા, સ્થિતપ્રજ્ઞતા, પોતાના આશ્રિત ભક્તોના દોષો–સ્વભાવો દૂર કરવા, બ્રાહ્મીસ્થિતિ પમાડવી, અંતકાળે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવવા રૂપ અપાર સામર્થ્યને સૌએ અનુભવ્યું છે.” 

પૂજ્ય આદર્શજીવન સ્વામીએ “ગુરુની ગુણ ગાથા” વર્ણવતા જણાવ્યુ હતું કે વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના જીવનમાં રહેલ ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ, અહંશૂન્યતા, નમ્રતા, સૌનું ભલું કરવાની ભાવના, ભગવાનના કર્તાપણાના અનુસંધાન વિષયક વિવિધ પ્રસંગોને નિરુપ્યા હતા. જેના પરિપ્રેક્ષમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા મહંતસ્વામી મહારાજના દિવ્ય જીવન-કાર્યની પરિચયાત્મક ગાથા સ્ક્રીન પર રજૂ થઈ હતી.

સદગુરુવર્ય સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ તેઓના વક્તવ્યમાં ભગવાન સ્વામિનારાયણના જીવન – કાર્યનું નિરૂપણ કરીને ગુણાતીત સંતોની પરંપરા દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે એ વાત દોહરાવી હતી. 

પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ રસાળ શૈલીમાં “ગુરુના શિષ્યોની ગાથા” અંતર્ગત સદગુણી શિષ્ય સમુદાયના પ્રેરક પ્રસંગો વર્ણવ્યા હતા. જીવનના વિપરીત સંજોગોમાં ઘણા હરિભક્તો સત્સંગની સમજણ, નિયમ ધર્મ, અને નિષ્ઠા સાથે જીવન જીવે છે. નાના બાળકો-બાળકીઓ, યુવાનો-યુવતીઓ દેશ-પરદેશમાં રહીને પણ નીતિમય - સત્સંગમય  જીવન જીવે છે. બી.એ.પી.એસ. સંસ્થાના સંતો દેશ પરદેશમાં રહીને ભગવાન અને ગુરુને કેન્દ્રમાં રાખીને પ્રેરણાત્મક જીવન જીવીને સત્સંગ સમાજ, દેશ અને સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો પ્રદાન કરે છે. સદગુરુ સંતોનું જીવન સૌના આદર્શ સમાન છે એ વિષયક પ્રસંગો વર્ણવ્યા હતા. આમ એક આદર્શ ગુરુ આદર્શ સમુદાયનું નિર્માણ કરે છે જેની આજે અનુભૂતિ થાય છે.

આ પ્રસંગે સદગુરુવર્ય સંત પૂજ્ય (કોઠારી) ભક્તિપ્રિય સ્વામીએ આપણે ગુરુનું પૂજન કેવી રીતે કરીશું અને આદર્શ શિષ્ય કેવી રીતે બનીશું એ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યુ કે, ‘આપણને જ્યારે ગુણાતીત ગુરુ મળ્યા છે ત્યારે યોગીજી મહારાજે યોગીગીતામાં જ કહ્યું છે કે ગુરુને વિષે નિર્દોષબુદ્ધિ એ જ ગુરુપૂજન છે.’ વરિષ્ઠ સદગુરુવર્ય સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રાસંગિક આશીર્વાદમાં જણાવ્યુ હતું કે, ‘આદી ગુરુ અને આચાર્ય ભગવાન વેદવ્યાસે સર્વ શાસ્ત્રના સાર રૂપે ‘જીવનનું ધ્યેય ભગવાન છે’ એમ જણાવ્યુ છે. આ સાથે ગુરુનો મહિમા ‘ગુરુ સાક્ષાત પરબ્રહ્મ’ એમ પણ જણાવ્યુ છે જે ગુણાતીત ગુરુનો મહિમા છે.’

ત્યારબાદ વરિષ્ઠ સંતોએ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું, અને સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી. ચરોતર પ્રદેશના તમામ વરિષ્ઠ સંતોએ પણ સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવી ભક્તિ અદા કરી હતી. ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ પણ મંત્ર પુષ્પાંજલી દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા હતા.

આજના પ્રસંગે ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ ગુરુપૂજન. આજે ગુરુપુનમ છે તો સૌ તને, મને ધને સુખી થાય. બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ. એ ગુરુ પૂજન થયું કહેવાય.’ 

આજના પ્રસંગે સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહી ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુપૂર્ણિમાની સભામાં દેશ અને વિદેશના મળી કુલ ૬૦,૦૦૦ જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમની વ્યવસ્થામાં સ્થાનિક સંતોના માર્ગદર્શન મુજબ ૫૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા.