1000457590

બોરસદ ખાતે રૂ. ૨.૮૮ કરોડના ખર્ચે ૧૨ લાખ લિટર પાણીની ટાંકી તૈયાર કરાશે

બોરસદ ખાતે રૂ. ૨.૮૮ કરોડના ખર્ચે ૧૨ લાખ લિટર પાણીની ટાંકી તૈયાર કરાશે

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર - ૨  ના ૧૫ હજાર લોકોને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડશે

આણંદ ટુડે | બોરસદ
આણંદ જિલ્લામાં યોજાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત બોરસદ નગરપાલિકા વિસ્તારમાં ₹ ૨.૮૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પીવાના પાણીની ટાંકી માટે આજે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે બોરસદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૨ ના રહીશોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોરસદ નગરપાલિકાની અમૃત ૨.૦ યોજના અંતર્ગત ૧૨ લાખ લિટરની પીવાના પાણીની ટાંકી તથા પાઇપ લાઇન માટે અંદાજિત રૂપિયા ૨.૮૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 
આ પીવાના પાણીની ટાંકી તૈયાર થવાથી વોર્ડ નંબર - ૨ ના અંદાજિત ૧૫ હજાર કરતાં વધુ નગરજનોને પીવાના પાણીની જરૂરિયાત સંપૂર્ણ પણે પૂરી થશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 
આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ વેળાએ પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ,  નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નગર સેવકો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
***