આણંદ જિલ્લાની ૬ શાળાના બાળકો માટે યોજાયા સમર કેમ્પ
સુરક્ષા સેતુ સોસાયટી હેઠળની સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત
આણંદ જિલ્લાની ૬ શાળાના બાળકો માટે યોજાયા સમર કેમ્પ
એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) યોજના અંતર્ગત વિદ્યાર્થીઓમાં શારીરિક – માનસિક શક્તિઓનો વિકાસ થાય તે માટે સમર કેમ્પના માધ્યમથી યોગા, ખેલકુદ, સ્વચ્છતા તેમજ વિવિધ સ્પર્ધાઓનું કરાતુ આયોજન
આણંદ,
ગુજરાત રાજય સુરક્ષા સેતુ સોસાયટીના રાજ્ય કક્ષાના નોડલ અધિકારીશ્રી હસમુખ પટેલ અને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણકુમારના માર્ગદર્શન અને સુરક્ષા સેતુ સોસાયટીના સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે. જે. ચૌધરીની આગેવાની નીચે આણંદ જિલ્લાના ધોરણ ૮ અને ૯ ના ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓ મળી જિલ્લાની કુલ ૬ શાળાના ૨૬૪ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસ.પી.સી.) યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત આણંદ જિલ્લાની ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના બાળકો માટે ડેલી કેમ્પ સીસ્વા ખાતે, ઉમરેઠ તાલુકાની સુંદલપુરા પે સેન્ટર શાળાના બાળકો માટે થામણા એજયુકેશન ઈન્સ્ટીટયુટ સ્કુલ ખાતે, વાસદની શ્રી સરદાર પટેલ વિનય મંદિરના બાળકો માટે આંકલાવાડી આશ્રમ ખાતે, આંકલાવ હાઈસ્કુલના બાળકો માટે ગંભીરા સીરીન કોટેઝ ખાતે તથા ખંભાત શહેરમાં આવેલી શ્રી માધવલાલ શાહ હાઈસ્કુલના બાળકો માટે અને ખંભાત ગ્રામ્યમાં આવેલ ધી ઉન્દેલ હાઈસ્કુલના બાળકો માટે રાલેજ ગામે આવેલ શીકોતર માતાના મંદિર ખાતે સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં બાળકોને શારીરીક – માનસીક વિકાસ થાય તે માટેની વિવિધ રમત-ગમત - પ્રવૃત્તિઓ જેવી કે, રોપ ક્લાઈમીંગ, રસ્સા ખેંચ, વોલીબોલ બોલ પાસીંગ, ખો-ખો, ક્રિકેટ, યોગા, નદી સ્વચ્છતા, નૌકા વિહાર, બેડ મિન્ટન, ચેસ, અંતાક્ષરી, નિબંધ – વકૃત્વ સ્પર્ધા, ડાન્સ, ગીત હરિફાઈ, નાટક, ઉખાણા, દેશની સુરક્ષા વિશે સંવાદ તથા રાત્રીના સમયે ગરબા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આ સમર કેમ્પ દરમિયાન આણંદ જિલ્લાની ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના બાળકો માટે ડેલી કેમ્પ સીસ્વા ખાતે યોજાયેલ કેમ્પમાં નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી અને સાંસદશ્રીમીતેષભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત યોજવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને ઉત્સાહભેર ભાગ લેતા જોઈને ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ ટવીટરના માધ્યમથી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) યોજના અંતર્ગત વિદ્યાર્થીઓમાં શારીરિક – માનસિક શક્તિઓનો વિકાસ થાય તે માટે સમર કેમ્પના માધ્યમથી યોગા, ખેલકુદ, સ્વચ્છતા સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
******