ચારૂસેટમાં આજે અત્યાધુનિક ‘દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ’નું ઉદ્ઘાટન કરાશે
ચારૂસેટમાં આજે અત્યાધુનિક ‘દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ’નું ઉદ્ઘાટન કરાશે
ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી દિનશા પટેલ દ્વારા રૂ. 3 કરોડનું માતબર દાન
ચારૂસેટના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે કૌશલ્યને બહાર લાવી શકે તેવા હેતુથી લગભગ રૂ. 7 કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્પોર્ટ્સ કોમ્પલેકસ 21,880 ચોરસ મીટરમાં ફેલાયેલું છે
આણંદ ટુડે | ચાંગા
ગુજરાત રાજ્યમાં ચરોતરને આગવી ઓળખ અપાવનાર અને રમતગમત ક્ષેત્રે આગવું કૌશલ્ય ધરાવતા હજારો વિદ્યાર્થીઓના લક્ષ્યને સફળતા સુધી દોરી જનાર તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉમદા અભિગમથી છેલ્લા 25 વર્ષથી કાર્યરત ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં અત્યાધુનિક ‘દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેકસ’ નું ઉદ્ઘાટન 7મી જાન્યુઆરીએ, મંગળવારે સવારે 10.30 કલાકે મુખ્ય અતિથિવિશેષ શ્રી નરહરિ અમીન (રાજ્ય સભાના સાંસદ, રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી) અને અતિથિવિશેષ અને દાતા શ્રી દિનશા પટેલ (ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી) ની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ કોમ્પલેકસ માટે શ્રી દિનશા પટેલ દ્વારા રૂ. 3 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે.
આ સ્પોર્ટ્સ કોમ્પલેકસ 4,090 ચોરસ મીટરના બિલ્ટ-અપ એરિયા સાથે 21,880 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને લગભગ રૂ. 7 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે.
ચારુસેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પોતાની અંદર રહેલા કૌશલ્યને બહાર લાવી શકે તેવા ઉમદા હેતુ સાથે નવનિર્મિત આ સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન જેવી અન્ય ઇન્ડોર રમતો માટે આત્મવિશ્વાસ સાથે તૈયાર થશે. તૈયાર થયેલ આઉટડોર સ્ટેડિયમ ફૂટબોલ, હોકી જેવી રમતોને પ્રોત્સાહન આપતા દિવસ-રાતની ટુર્નામેન્ટનું આયોજન કરી શકાય તે માટે રનિંગ ટ્રેક અને આધુનિક લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે સ્વિમિંગ ફિલ્ડમાં પણ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તેવા હેતુ સાથે સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની તાલીમ આપવામાં આવશે.
આ સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરતા વ્યાયામશાળા, યોગ અને ધ્યાન માટે વિશેષ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે ડિજિટલ યુગમાં આધુનિક ઉપકરણોના બિનજરૂરી ઉપયોગથી વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું મહત્વ લૂપ્ત થઈ રહ્યું છે જે ગંભીર બાબત છે ત્યારે ચારુસેટ સ્પોર્ટ્સ કોમ્પલેકસ વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસની સાથે સાથે એકાગ્રતા, સ્થિરતા, ધીરજ જેવા ગુણો વિકસે તે માટે અભ્યાસમાં અને મેદાનમાં ઉત્કૃષ્ટ બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે. આ સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ સ્ટાફ લઇ શકશે.
આ પ્રકારના હકારાત્મક અને ઉર્જાશીલ અભિગમ સાથે ચારુસેટ કેમ્પસમાં ઉમેરાતા નવા સોપાન પ્રસંગે ઉપસ્થિત રહેવા ચારુસેટના સ્વપ્નદ્રષ્ટા અને પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય અને રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.