આણંદ જિલ્લામાં યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
આણંદ જિલ્લામાં યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહી
જિલ્લામાં લેવાનાર પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની
ત્રિજયામાં પરીક્ષાના દિવસ દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ
આણંદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા યોજાનાર હોઈ, પરીક્ષાના કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય, પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓ અને લોકોના ટોળાઓ એકઠા ન થાય, કોઇ અનિચ્છનિય બનાવ ન બને, પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, પરીક્ષાનું મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન થાય તેમજ પરીક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી આ પરીક્ષા કેન્દ્રો / બિલ્ડીંગોની આસપાસ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામામા જણાવ્યા પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ કરવા, પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનો સવારના ૦૮-૦૦ થી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઇ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) ને મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણ લઇ જવા પણ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.
*****