બાંગ્લાદેશની એક સગીરાને ગેરકાયદે ભારતમાં ઘુસાડીને દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના રેકેટનો આણંદ પોલીસે કર્યો પર્દાફાશ
બાંગ્લાદેશની એક સગીરાને ગેરકાયદે ભારતમાં ઘુસાડીને દેહવ્યાપાર કરાવવાના રેકેટનો આણંદ પોલીસે કર્યો પર્દાફાશ
એક મહિલા,બે દલાલ સહિત આઠ વ્યક્તિઓની પોલીસે કરી ધરપકડ
મોડેલિંગ કરવાની લોભામણી લાલચ આપીને સગીરાને ભારત લાવવામાં આવી ,બાદમાં દેહવ્યાપારમાં ધકેલી દેવાઇ
અમદાવાદ અને વડોદરાની અલગ અલગ હોટલમાં બાંગ્લાદેશી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારાયું હતું
આણંદ ટુડે I આણંદ
બાંગ્લાદેશની એક સગીરવયની બાળાને મોડલીંગના કરવાના બહાને ભારતમાં ગેરકાયદેસર ઘુષણખોરી કરાવીને તેણીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાના એક રેકેટનો આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે આ કેસમા ૮ શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવશે તેમ છે.
વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ ઉપર ગત ૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સવા બે વાગ્યાની આસપાસના સુમારે આવેલા ફોનના આધારે મહિલા અભિયમની ટીમ આણંદ પાસેના વિદ્યાનગર ખાતે આવેલા એક ફ્લેટ ઉપર પહોંચી હતી અને ત્યાંથી એક ૧૬ વર્ષની બાંગ્લાદેશી સગીરા તેમજ સોનીયાબેન દિનેશભાઈ વેંકટ શિંદે (લગ્ન પછીનુ નામ) જ્યારે લગ્ન પહેલાનું નઝમા રજાકભાઈ બિસેસ (રે. મુળ, પશ્ચિમ બંગાળ, હાલ મુંબઈ) ના મળી આવ્યા હતા.
આ અંગે વિદ્યાનગર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ કરતા ૧૬ વર્ષની સગીર બાળાને ફિલ્મ શુટીંગમાં મોડલીંગનું કામ અપાવવાની લોભામણી લાલચ આપીને તેણીને દેહવ્યાપારના ગોરખધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની ચોકાવનારી વિગત ઉજાગર થવા પામી હતી. બાદમાં સમગ્ર કેસની તપાસ કરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આણંદ પોલીસેની પ્રાથમિક તપાસમાં સગીર વયની બાળાને બાંગ્લાદેશથી મેસન રજ્જાક રહેમાન બીસ્સ ઉર્ફે મુનાવર હુસેન જોય (રે. નાલાસોપારા ઈસ્ટ, વસઈ, પાલઘર, મહારાષ્ટ્ર, મુળ પશ્ચિમ બંગાળ)એ ગેરકાયદેસર ઘુસાડીને મુંબઈ લાવીને તેની બહેન સોનીયાબેન દિનેશભાઈ વેંકટ શિંદેને દેહવ્યાપારના ધંધા માટે સોંપી દેવામાં આવી હતી. સોનિયા દ્વારા સગીર બાળાને વડોદરા તથા અમદાવાદની હોટલોમાં રાખીને વડોદરાના દેહવ્યાપારના દલાલ સુનિલ તથા અમૃત (અમદાવાદ) મારફતે અલગ-અલગ વ્યક્તિઓને મોકલીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ.
પોલીસે મેસન રજ્જાક રહમાન બીસ્સ ઉર્ફે અનવર ઉર્ફે મુનાવર હુસેન જોય તથા સોનિયાને ઝડપી પાડીને તેમના મુંબઈ તથા પશ્ચિમ બંગાળના સરનામા હોય તે બાબતે ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતા તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા.પોલીસે યુક્તિ પ્રયુક્તિ કરીને તેઓની આકરી પૂછપરછ હાથ ધરતાતેઓ ભાંગી પડ્યા હતા.અને પોતે મૂળ બાંગ્લાદેશી નાગરિક હોવાનો અને ભારત દેશમાં ગેરકાયદેસર ઘૂસીને વસવાટ કરતા હોવાની ચોકાવનારી વિગત પોલીસ તપાસમાં ખુલવા પામી હતી.
બાંગ્લાદેશી સગીરા પર અમદાવાદ તથા વડોદરા ની અલગ અલગ હોટલમાં દુષ્કર્મ ગુજાનાર આરોપીઓને પણ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન તેમજ ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરીને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ આરોપીઓમાં
પ્રદીપ કુમાર ઉર્ફે લાલો કાંતિભાઈ મકવાણા રહે-વડોદરા,રાહુલ પ્રકાશભાઈ મિશ્રા, રહે-વડોદરા, હની ત્રિભુવનભાઈ પટેલ રહે-અમદાવાદ તેમજ શીભાભાઈ કરમશીભાઈ દેસાઈ, રહે-અમદાવાદનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પોલીસે દેહવ્યાપારના બે દલાલ જેઠાનંદ ઉર્ફે સુનિલ ઘનશ્યામભાઈ સેવકાની,રહે-વડોદરા અને અમૃત ઉર્ફે સુનિલ ઉર્ફે આર્યન ગોરધનભાઈ ખરા, મૂળ રહે-જયપુર હાલ ચાંદખેડા અમદાવાદને પણ ઝડપી પાડ્યા હતા.પોલીસે તમામ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
સગીરાનો અમદાવાદમાં રૂ. ૧૧-૧૧ હજાર અને વડોદરામાં રૂં.૫-૫ હજારમાં કરાયો હતો સોદો
બાંગ્લાદેશની સગીરવયની બાળાને મોડલીંગના બહાને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાના કેસમાં પોલીસે તપાસ કરતા ચોકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. વડોદરાના બે શખ્સો સાથે સગીરાનો સોનિયાએ ૫-૫ હજારમાં સોદો કર્યો હતો. જ્યારે અમદાવાદના બે શખ્સો સાથે ૧૧-૧૧ હજાર રૂપિયામાં સોદો કરીને સગીરા પાસે દેહવ્યાપાર કરાવવામાં આવ્યો હતો. જો કે આ પરદેશી બાળા દેહવ્યાપારની ચુંગામાં વધુ ફસાય તે પહેલા જ મહિલા અભિયમની ટીમે તેણીનું રેસ્ક્યુ કરીને બચાવી લેતા સમગ્ર ગેરકાયદે ઘુષણખોરી તેમજ દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ થવા પામ્યો હતો.