IMG-20230725-WA0021

આણંદ જિલ્લાના દરિયાકાંઠાના ૧૫ હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ્સનું વાવેતર

વિશ્વ મેન્ગ્રુવ દિવસ : વિષેશ લેખ 

દરિયાકાંઠાના રક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવતા મેન્ગ્રુવ્સ

આણંદ જિલ્લાના દરિયાકાંઠાના ૧૫ હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ્સનું વાવેતર

ખંભાત તાલુકાના વડગામ ખાતે ૧૦ હજાર મેન્ગ્રુવના રોપાનું વાવેતર કરાયું છે

આલેખન: પ્રાંજુલ મિશ્રા

આણંદ, મંગળવાર 

સમગ્ર વિશ્વમાં ૨૬મી જુલાઈના દિવસને “વિશ્વ મેન્ગ્રુવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને મેન્ગ્રુવના મહત્વ અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત રાખવામાં, વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ માટે રહેઠાણ પ્રદાન કરવામાં તેમજ વિશ્વભરમાં લાખો લોકોની આજીવિકામાં ટેકો આપવામાં મેન્ગ્રુવ અગત્યની ભૂમિકા ભજવે છે. મેન્ગ્રુવના વાવેતર, ઉછેર અને સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ અને જીવસૃષ્ટિના જતન તથા સંરક્ષણમાં ખૂબ જ અગત્યતની ભૂમિકા ભજવતા એવા મેન્ગ્રુવ (ચેર) ના મહત્વને ધ્યાને લઈને જ મેન્ગ્રુવના વાવેતર માટે “મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્ગીબલ ઇનક્મ્સ” (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes - MISHTI) કાર્યક્રમની શરૂઆત કરી છે. જેને ટૂંકમાં “MISHTI” (મિસ્ટી) તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં જૈવવિવિધતા, કાર્બન સ્ટોક, પર્યાવરણીય પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક પેદા કરવા તથા મેન્ગ્રુવના શ્રેષ્ઠ ઉપયોગ સહિત વેટલેન્ડ્સના અનન્ય સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપવા સહિતના હેતુઓનો સમાવેશ થાય છે. MISHTI ના અન્ય ઉદ્દેશ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા મેન્ગ્રુવના વૃક્ષારોપણની તકનીકો, સંરક્ષણ પગલાં, વ્યવસ્થાપન પ્રથાઓ અને સંસાધનોનું એકત્રીકરણ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં પણ વર્ષ ૨૦૨૩ના જૂન માસમાં MISHTI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવના દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. અત્યાર સુધીમાં આણંદ જિલ્લાના દરિયાકાંઠાના ૧૫ હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. 

મેન્ગ્રુવ્સનું મહત્વ 

મેન્ગ્રુવ્સ એ વિવિધ વૃક્ષોની પ્રજાતિઓ ધરાવતાં ગાઢ, મીઠું-સહિષ્ણુ જંગલો છે જે વાવાઝોડા અને સુનામી સામે કુદરતી અવરોધ તરીકે કામ કરી કુદરતી આફતોની વિનાશક અસરોથી આંતરિક સમુદાયોનું રક્ષણ કરે છે. દરિયાઈ વિસ્તારમા મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂ પાડે છે. મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.

વધુમાં, મેન્ગ્રુવ્સ કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે, જે વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષીને, તેને પોતાની જમીન, મૂળ અને બાયોમાસમાં સંગ્રહિત કરે છે. મેન્ગ્રુવના મોટા જથ્થામાં ઉત્પન્ન થતાં પાંદડાઓમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવ્સ માછલીઓ, ક્રસ્ટેશિયન, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓને રહેઠાણ અને સંવર્ધનનું સ્થાન પ્રદાન કરતા હોવાથી જૈવવિવિધતામાં સમૃદ્ધ છે. સ્નેપર્સ, ગ્રૂપર્સ અને ઝીંગા સહિતની ઘણી વ્યાવસાયિક રીતે મહત્વની માછલીની પ્રજાતિઓ તેમના જીવન ચક્ર દરમિયાન મેન્ગ્રુવ્સ પર આધાર રાખે છે. 

મેન્ગ્રુવ્સ એ મત્સ્યઉદ્યોગ, જળચરઉછેર અને કરચલા લણણી જેવી પરંપરાગત પ્રથાઓ દ્વારા આજીવિકા મેળવતા વિશ્વભરના લાખો લોકો માટે આજીવિકા તથા સ્થાનિક લોકોને બળતણ, ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મેન્ગ્રુવ્સ ઇકો-ટૂરિઝમ સાથે જોડાયેલા લોકોને ટકાઉ આવકનો સ્ત્રોત પૂરો પાડે છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે. 

મેન્ગ્રુવ્સના વિકાસને અવરોધક પરિબળો 

મેન્ગ્રુવ્સ આપણી જૈવવ્યસ્થામાં ખૂબ જ મહત્વના હોવા છતાં ઘણાં જોખમોનો સામનો કરે છે. જેમાં વન નાબૂદી, શહેરીકરણ, દરિયાકાંઠાના વિકાસનું પ્રદૂષણ, ઉદ્યોગો અને બિનટકાઉ લોગીંગ પ્રથાઓ મેન્ગ્રુવને નુકસાન કરતા કેટલાક મુખ્ય કારણો છે જે આ મેન્ગ્રુવ્સના સંતુલનને નુકસાન કરે છે. આબોહવા પરિવર્તન પણ મેન્ગ્રુવ્સ માટે ગંભીર ખતરો છે. દરિયાની સપાટીમાં વધારો, વધેલા તાપમાન અને દરિયાઈ એસિડિફિકેશન મેન્ગ્રુવ અને તેમના પર આધારિત વિવિધ દરિયાઈ પ્રજાતિઓના વિકાસ અને અસ્તિત્વને નકારાત્મક અસર કરે છે.

 મેન્ગ્રુવ્સ સંરક્ષણ માટે આટલું કરી શકાય 

આપણી ભાવિ પેઢીઓ માટે જૈવવિવિધતા જાળવવા અને દરિયાકાંઠાના સમુદાયોના રક્ષણની સાથે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સામેની લડાઈમાં પણ મેન્ગ્રુવ્સ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જે માટે આપણે તેના સંરક્ષણ માટેના પગલાઓ ભરવા જરૂરી છે. જેમાં સૌથી પહેલા મેન્ગ્રુવના રક્ષણ માટે દરિયાઇ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના અને વિસ્તરણ પર કાર્ય કરવું જરૂરી છે. સ્થાનિક સમુદાયોને તેમના કુદરતી સંસાધનોનું સતત સંચાલન અને રક્ષણ કરવા માટે તાલિમબદ્ધ કરવા અને તેમને મેન્ગ્રુવના સંરક્ષણકાર્યમાં જોડી શકાય છે. મેન્ગ્રુવ્સ પર થતી નકારાત્મક અસરોને ટકાઉ માછીમારી, જળચરઉછેર અને પ્રવાસન પ્રથાઓના પ્રોત્સાહન દ્વારા ઘટાડી શકાય છે. મેન્ગ્રુવ્સના પુનઃવનીકરણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ્સ શરૂ કરી ખોવાયેલા રહેઠાણોને ફરીથી મેળવવા અને મેન્ગ્રુવ જૈવવ્યવસ્થાની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવું. મેન્ગ્રુવ્સના મૂલ્ય અને તેમના સંરક્ષણના મહત્વ વિશે જાહેર જનતા, નીતિ ઘડનારાઓ અને વિવિધ વ્યવસાયોમાં જાગરૂકતા વધારીને પણ મેન્ગ્રુવના સંરક્ષણને સશકત બનાવી શકાય છે.

દરિયાકાંઠાની જૈવ વ્યવસ્થા અને જૈવવિવિધતા તથા લાખો લોકોની આજીવિકાના સ્ત્રોત સમાન મેન્ગ્રુવ્સની નિર્ણાયક ભૂમિકાને આજનો “વિશ્વ મેન્ગ્રુવ દિવસ” પ્રતિબિંબિત કરે છે. સરકારની સાથે જોડાઇને આપણે સૌ મેન્ગ્રુવ્સના સંરક્ષણ પ્રયાસોને વધારીને આ “દરિયાકાંઠાના રક્ષકો” આપણી ભાવિ પેઢીઓ માટે પણ અમૂલ્ય યોગદાન આપતા રહે તે સુનિશ્ચિત કરી શકીએ છીએ. જીવસૃષ્ટિ અને પર્યાવરણમાં મેન્ગ્રુવ્સના અમૂલ્ય યોગદાનનું મહત્વ સમજી તેમનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.

******************