IMG_20231007_172203

આણંદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ વધુ ત્રણ વેપારી સામે દંડનીય કાર્યવાહી

આણંદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ વધુ ત્રણ વેપારી સામે દંડનીય કાર્યવાહી

આણંદ નગરપાલિકાની ટીમે ૪૫ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

આવા પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ

આણંદ, શનિવાર 
 રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે.ગરવાલના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરતા જે વેપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાઓનું વિતરણ કરતા હતા તેવા  મુકેશ ટ્રેડર્સ અને વેરાઈ માતા વિસ્તારમાં આવેલી ન્યુ ખુશ્બુ વેફર્સ અને જય જલારામ વેફર્સ ખાતેથી ૧૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૩૫૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

શ્રી એસ.કે ગરવાલે વધુમાં જણાવ્યું કે, આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે દરરોજ  પ્લાસ્ટિકનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. ગત રોજ પણ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં ખાઉધરા ગલી ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૩૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રૂ. ૮૫૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના જે વેપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનું વેચાણ કરતા હશે તેવા વેપારીઓએ તાત્કાલિક અસરથી આવા ઝભલાઓનું વેચાણ બંધ કરી સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરે તે ઇચ્છનીય છે તેમ જણાવી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે ચકાસણીની ઝુંબેશ ચાલુ રહેશે તેમ શ્રી ગરવાલે જણાવ્યું છે. 
*****