આણંદ ખાતે “એગ્રી સપ્લાય ચેઈન મેનેજમેન્ટ” વિષય ઉપર ૧૦ દિવસીય તાલીમનું આયોજન
આણંદ ખાતે “એગ્રી સપ્લાય ચેઈન મેનેજમેન્ટ” વિષય ઉપર ૧૦ દિવસીય તાલીમનું આયોજન
આણંદ ટુડે
કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ, NAHEP-CAAST પ્રોજેક્ટ દ્વારા એગ્રી સપ્લાય ચેઈન મેનેજમેન્ટ વિષયક ૧૦ દિવસીય તાલીમનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.કે.બી.કથીરીયાએ એગ્રી સપ્લાય ચેઈન મેનેજમેન્ટનું મહત્વ જણાવી,રાજ્ય સરકારની ગોડાઉન યોજના, ખેડૂતને લણણી પછીનું નુકસાન કેવી રીતે અટકાવી શકાય તે વિષયે વિસ્તૃત માહિતી આપી હતી.વધુમાં શ્રીકથીરીયાએ સ્ટોરેજની અગત્યતા સાથે કોમોડિટીમાં ગુણવત્તા જળવાઈ રહે અને પાકનો જલ્દી બગાડ ન થાય તે માટે ફ્યૂમીગેશન અને રેડીયેશન જેવી આધુનિક તકનિકોની વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ યુનિવર્સિટીમાં કાર્યરત NAHEP- કાસ્ટ પ્રોજેક્ટની કામગીરીને બિરદાવી માર્કેટ ઈન્ટેલીજન્સથી કેવી રીતે કૃષિપાકના ભાવની આગાહી કરી શકાય છે તેમજ એગ્રી સપ્લાય ચેઈન મૉડેલિંગની મદદથી કૃષિપાકમાં થતાં નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય છે તે અંગે માર્ગદર્શન આપી વધુમાં જણાવ્યું હતું કે આજના યુગમાં માર્કેટ ઇન્ટેલીજન્સ એક મહત્વનું પાસું છે જે કૃષિક્ષેત્રે થનાર વિવિધ મુશ્કેલીઓ નિવારી ખેડૂતને આર્થિક રીતે સદ્ધર કરી શકે છે અને તેના થકી ભારતના વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત”નો મંત્ર સાચા અર્થમાં સિદ્ધ થઈ શકશે.
કાર્યક્રમમાં એગ્રી સપ્લાય ચેઈનમાં અસર કરતા પરિબળો, માર્કેટ એનાલિટીક્સ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓના કૃષિશિક્ષણમાં નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટની ઉપયોગીતા, સપ્લાય ચેઈન ઇનપુટ્સ, ગુણવત્તા, આયાત- નિકાસ, માર્કેટિંગ જેવા વિષયોની મહત્વતા તથા નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટની પ્રવૃત્તિઓ અને હેતુઓ તેમજ તેના લીધે શિક્ષણમાં થતા સુધારા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડૉ.સ્નેહલ મિશ્રા દ્વારા શાબ્દિક સ્વાગત જ્યારે ડૉ.વાય.એ.લાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ICAR,નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તથા કૃષિશિક્ષણ અને નાહેપ પ્રોજેક્ટના નેશનલ ડાયરેક્ટર ડૉ. આર.સી.અગ્રવાલ, નાહેપ આઇ.સી.એ.આર.ના નેશનલ કો-ઓર્ડિનેટર ડૉ.અનુરાધા અગ્રવાલ ઓનલાઇન માધ્યમથી જોડાયાં હતાં જ્યારે સંશોધન નિયામકશ્રી ડૉ. એમ.કે.ઝાલા, નાહેપ-કાસ્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડૉ.આર.એસ.પુંડીર સહિત દેશના વિવિધ રાજયોમાંથી ૯૦ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
*******