IMG-20230401-WA0014

બોરસદ તાલુકાના કઠોલ થી તાડિયાપુરા માર્ગ પર અંદાજીત રૂ. ૬ કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાશે

કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે - નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે ભારતને વિશ્વ ફલક પર સન્માન મળી રહ્યું છે.-સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ

બોરસદ તાલુકાના કઠોલ થી તાડિયાપુરા જતા માર્ગ પર અંદાજીત રૂ. ૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

આણંદ,

 ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બોરસદ તાલુકાના કઠોલથી તાડિયાપુરા જતા માર્ગ પર અંદાજિત રૂ. ૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, ગામના લોકોને ચોમાસા દરમિયાન જવા આવવા માટે તકલીફ ના પડે તે માટે હયાત કોઝવે પર અંદાજીત રૂ. ૬ કરોડના ખર્ચે ૮૦ મીટર લાંબા અને ૭ મીટર પહોળાઈના બ્રિજના નિર્માણ થકી લોકોને આવાગમનમાં વધુ સરળતા થશે.

શ્રી સોલંકીએ રાજ્ય સરકાર સામાન્ય માણસના જીવન ધોરણ સુધારવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવાની સાથે-સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરી રહી હોવાનું જણાવી આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ બજેટની ફાળવણી કરી આમ જનતાને અનેક વિકાસ કાર્યો ભેટ આપવામાં આવનાર છે તેમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની ચિંતા કરીને સરકાર ગામડાના અંત્યોદય સુધી સુવિધાઓ-યોજનાઓ પહોંચાડી રહી છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે ભારતને વિશ્વ ફલક પર સન્માન મળી રહ્યું હોવાનું જણાવી આપણો દેશ આજે ઇકોનોમીમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો તેમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે બોરસદ પ્રાંત અધિકારી શ્રી જય બારોટ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધરમદેવસિંહ ડાભી, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

******