આગામી તા. ૧૪ થી ૨૯ માર્ચ સુધી બોર્ડ પરીક્ષાઓ યોજાશે આણંદ જિલ્લાના કુલ ૫૩,૫૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એસ.એસ.સી./એચ.એસ.સી. પરીક્ષાઓનાં સુચારૂં આયોજન માટે
આણંદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ
વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવાનો અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવી
આણંદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૪ મી માર્ચથી શરૂ થનાર ધો.૧૦ અને ધો.૧૨ની જાહેર પરીક્ષાઓ માટેના સુચારૂ આયોજન અંગે આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આગામી તા.૧૪ મી માર્ચથી શરૂ થઈ રહેલી એસ.એસ.સી/એચ.એસ.સી.ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
કલેકટરશ્રીએ પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ ઉપસ્થિત સર્વેને બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પરીક્ષાઓનું આયોજન થાય, શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેની અજ્ઞાનતાના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવા સુચવ્યું હતું.
શ્રી ગઢવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઇને પ્રવેશ ન કરે તેમજ પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી. તેમણે વધુમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવા અને પરીક્ષા સંબંધી તમામ ગાઇડલાઇનનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ સંબંધિતોને સૂચના આપી હતી.
બેઠક દરમિયાન પરીક્ષાનાં એક દિવસ અગાઉથી સવારે ૭-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી જિલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે. જિલ્લામાં લેવામાં આવનાર તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાલક્ષી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં તા.૧૪મી શરૂ થનાર ધો.૧૦ અને ધો.૧૨ની જાહેર પરીક્ષાઓ પૈકી ધો.૧૦ની પરીક્ષામાં ૩૨,૧૩૬ વિદ્યાર્થીઓ, ધો.૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૬,૪૮૫ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૪,૯૨૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૫૩,૫૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી પ્રવિણકુમાર, પરીક્ષા સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન પ્રજાપતિ, તમામ ઝોનના ઝોનલ અધિકારીશ્રીઓ તથા વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ, એમજીવીસીએલના અધિકારી સહિત સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
*****