IMG_20230127_171718

આણંદ શહેરની સુખ - સુવિધાઓમાં વધારો કરતો વધુ એક નવો આયામ ઉમેરાયો

આણંદના નવનિર્મિત ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન માટે વાહનચાલકો આટલું ખાસ ધ્યાન રાખે

આણંદ બોરસદ ચોકડી ખાતે નવનિર્મિત ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન સંદર્ભે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટાવિભાગે માર્ગદર્શિકા બહાર પાડી

આણંદના નવનિર્મિત ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન માટે વાહનચાલકો આટલું ખાસ ધ્યાન રાખે

આણંદ, 

આણંદ શહેરની સુખ - સુવિધાઓમાં વધારો કરતો વધુ એક નવો આયામ ઉમેરાયો છે. આણંદ બોરસદ ચોકડી ખાતે રૂ. ૬૦.૫૧ કરોડના ખર્ચે નવ નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું રાજયના આરોગ્ય અને કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ - લોકાર્પણ કરી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ થકી ચરોતરવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મૂક્તિ મળશે.

આ નવ નિર્માણ પામેલા ત્રિપાંખીયા બ્રિજ પર આવાગમન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા - વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે મુજબ નાગરિકોએ નીચે મુજબની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ માર્ગદર્શિકા મુજબ ગણેશ ચોકડી તરફથી કરમસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે સીધા કરમસદ જઈ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફથી બોરસદ તરફ જવા માટે સર્વિસ રોડથી ડાબી બાજુ વળીને બોરસદ તરફ જઈ શકશે. આ ઉપરાંત ગણેશ ચોકડીથી આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માટે રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ હોવાથી સર્વિસ રોડ મારફતે બોરસદ બાજુ વળીને જમણી બાજુ યુ ટર્ન લઈ બ્રિજ પર થઈને આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જઈ શકાશે અથવા તો સર્વિસ રોડ મારફતે સીધા જઈને યુ ટર્ન લઈને બ્રિજના કરમસદ બાજુના છેડેથી બ્રિજ ઉપર ચડીને આણંદ શહેર તરફ જઈ શકાશે.

તેવી જ રીતે કરમસદ તરફથી ગણેશ ચોકડી તરફ જવા માંગતા લોકો બ્રિજની નીચેના સર્વિસ રોડ મારફતે સીધા ગણેશ ચોકડી જઈ શકશે, તેમજ આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માટે બ્રિજ ચડીને જઈ શકશે. આ ઉપરાંત કરમસદ તરફથી બોરસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે જમણી બાજુ વળીને બોરસદ તરફ જઈ શકશે.

આ ઉપરાંત આણંદ શહેર (લોટીયા ભાગોળ)થી બોરસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ ચડીને સીધા બોરસદ બાજુ જઇ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફ જવા માટે બ્રિજ ચડીને ડાબી તરફ વળી બ્રિજ ઉતરીને જઈ શકશે. આ ઉપરાંત આણંદ શહેર (લોટીયા ભાગોળ)થી કરમસદ તરફ જવા માટે બ્રિજ ચડીને સીધા બોરસદ તરફના છેડે ઉતરીને જમણી બાજુ યુ ટર્ન લઈને સર્વિસ રોડ મારફતે જઈ શકશે અથવા બ્રિજ ચડીને ડાબી તરફ વળીને બ્રિજના ગણેશ ચોકડી બાજુના છેડે ઉતરીને જમણી બાજુ યુ ટર્ન લઈ બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે કરમસદ તરફ જઈ શકશે.

તેવી જ રીતે બોરસદ તરફથી આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માંગતા લોકો બ્રિજ ચડીને સીધા આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જઈ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફ જવા માટે સર્વિસ રોડ મારફતે પુલની નીચેથી જઈને જમણી બાજુ વળીને ગણેશ ચોકડી તરફ જઈ શકશે. આ ઉપરાંત બોરસદ તરફથી કરમસદ તરફ જવા માંગતા લોકો સર્વિસ રોડ મારફતે પુલની નીચેથી જઈને ડાબી તરફ વળીને કરમસદ તરફ જઈ શકશે.

*****