અંદાજે દર વર્ષે ૧૦ લાખમાંથી ફક્ત એક વ્યક્તિમાં આ બીમારી જોવા મળે છે
જવલ્લે જોવા મળતી જાયન્ટ ટ્યુમરની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું
અંદાજે દર વર્ષે ૧૦ લાખમાંથી ફક્ત એક વ્યક્તિમાં આ બીમારી જોવા મળે છે
આણંદ,
આણંદ ખાતે આવેલી નિષ્કા ઇ. એન. ટી. અને કેન્સર કેર હોસ્પિટલમાં તાજેતરમાં ૨૨ વર્ષીય મહિલાની જવલ્લે જોવા મળતી જાયન્ટ ટ્યુમરની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તારાપુર તાલુકાના ૨૨ વર્ષીય મહિલાને પાંચ વર્ષથી જડબાના ભાગે ગાંઠ હતી. અનેક હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા પરંતુ સંતોષકારક નિદાન ન થતા આણંદની નિષ્કા ઇ. એન. ટી. અને કેન્સર કેર હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા.
હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારી જવલ્લે જ જોવા મળે છે. અમેરિકન એસોસિએશન ઓફ ઓર્થોપેડિક પ્રમાણે વિશ્વમાં દર વર્ષે અંદાજે ૧૦ લાખમાંથી ફક્ત એક વ્યક્તિમાં આ ગાંઠ જોવા મળે છે. જે મોટેભાગે પગ અને હાથના હાડકામાં જોવા મળે છે, પરંતુ આ ખૂબ જ અલગ પ્રકારનો કેસ હતો જેમાં જડબાના ભાગે ગાંઠ હતી. આ ગાંઠ ૬x૫ સેન્ટિમીટર જેવડી મોટી હતી. આ ગાંઠ થવાથી હાડકું ખવાતું જાય છે. આ ગાંઠનું ઓપરેશન કરવું ખૂબ જટિલ હતું, તેમજ જો આ ગાંઠની સર્જરી ના થાય તો ફેફસા સુધી તેની અસર થાય છે.
જેને ધ્યાને લઇ આ મહિલાના જડબાના ભાગેથી ગાંઠને દૂર કરવા ૧૧ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. મમતા લાંબાની સાથે ડૉ. મૈત્રી બાવીશી અને એનેસ્થેસિસ્ટ ડૉ. શીતલ આચાર્યની ટીમ દ્વારા પાંચ કલાક સુધી ઓપરેશન કરીને આ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી તેમજ, દર્દીની છાતીની ચામડી લઈને પ્લાસ્ટિક સર્જરી કરી દર્દીના જડબામાંથી ગાંઠને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીની તબિયત સારી થઈ જતા તેને હોસ્પિટલેથી રજા આપવામાં આવતા હાલ જલ્દી તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, નિષ્કા ઇ. એન. ટી. અને કેન્સર કેર હોસ્પિટલ આણંદ ખાતે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જ્યાં કાન, ગળા, નાક અને તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવે છે. અહીં આધુનિક ઓપરેશન થિયેટર સહિત નિષ્ણાંત ડોક્ટરોની ટીમ છે.
*****